<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st February 2026

અમેરિકામાં ૭૩.૭% સંપત્તિ ૫૫ વર્ષથી વધુ ઉંમરના લોકો પાસે

અમેરિકાનું અર્થતંત્ર વૃદ્ધો દ્વારા સંચાલિત ! : યુવા પેઢી મોંઘા આવાસ અને વિદ્યાર્થી લોનના બોજનો સામનો કરે છે, ત્‍યારે મોટાભાગની સંપત્તિ જૂની પેઢી પાસે છે

ન્‍યુયોર્ક,તા.૨૧: અમેરિકાનું અર્થતંત્ર હવે મોટાભાગે વૃદ્ધો પર નિર્ભર છે. દેશમાં કુલ ગ્રાહક ખર્ચમાં ૫૫ વર્ષથી વધુ ઉંમરના લોકોનો હિસ્‍સો ૪૫.૩% છે, જે ૨૮ વર્ષમાં સૌથી વધુ છે. ૨૦૦૦ ના દાયકાની શરૂઆતમાં, આ આંકડો ફક્‍ત ૨૮% હતો, પરંતુ ત્‍યારથી, આ આંકડો લગભગ બમણો થઈ ગયો છે. અમેરિકા વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર છે, પરંતુ સંપત્તિના સંદર્ભમાં વૃદ્ધ અને યુવા પેઢી વચ્‍ચેનું અંતર સતત વધી રહ્યું છે.

દેશમાં કુલ ગ્રાહક ખર્ચમાં ૫૪ વર્ષ અને તેથી ઓછી ઉંમરના લોકોનો હિસ્‍સો ઘટીને ૫૪.૭ ટકા થયો છે, જે ૨૦૦૦માં ૭૨ ટકા હતો. યુ.એસ.માં, છેલ્‍લા ૨૫ વર્ષમાં બંને વય જૂથો વચ્‍ચેનો તફાવત ૩૫ ટકા ઘટ્‍યો છે અને ઇતિહાસમાં પહેલી વાર સમાન થવાના માર્ગ પર છે. ફેડરલ રિઝર્વના ડેટા અનુસાર, દેશની સંપત્તિનો ૭૩.૭ ટકા હિસ્‍સો ૫૫ વર્ષથી વધુ ઉંમરના લોકો પાસે છે, જે ૨૦૦૦માં ૫૬.૨ ટકા હતો.

બેંક ઓફ અમેરિકાના ડેટા અનુસાર, ક્રેડિટ અને ડેબિટ કાર્ડ સાથે ખર્ચ કરવામાં બેબી બૂમર પેઢી જનરલ ઝેડ અને મિલેનિયલ્‍સ કરતાં વધુ આગળ નીકળી ગઈ છે. યુવાનો હાઉસિગ અને સ્‍ટુડન્‍ટ લોન જેવા મોંઘા ખર્ચનો સામનો કરી રહ્યા છે. ૧૯૪૬ થી ૧૯૬૪ ની વચ્‍ચે જન્‍મેલા લોકોને બેબી બૂમર પેઢી કહેવામાં આવે છે. તેવી જ રીતે, ૧૯૮૧ થી ૧૯૯૬ ની વચ્‍ચે જન્‍મેલા લોકોને મિલેનિયલ્‍સ કહેવામાં આવે છે અને ૧૯૯૭ થી ૨૦૧૨ ની વચ્‍ચે જન્‍મેલા લોકોને જનરલ ઝેડ કહેવામાં આવે છે. 

 

(10:13 AM IST)