<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st February 2026

જીએસટી ક્રેડિટ વાપરવા માટે સરકાર દ્વારા આપવામાં આવેલી છૂટ હજુ પણ કાગળ પર

IGST જમા હોય તો સીજીએસટી અને SGSTમાં વાપરવાની જાહેરાત કરી હતી : GSTમાં ૩બી રીટર્ન ભરવાના છેલ્‍લા દિવસે પણ પોર્ટલ પર સુવિધા કાર્યરત કરવામાં નહીં આવી

નવી દિલ્‍હી,તા.૨૧: વેપારી દ્વારા કરવામાં આવેલા ખરીદ વેચાણની વિગતોના આધારે તેના જીએસટી નંબરમાં જમા રહેલી ક્રેડિટ કોઈ પણમાં વાપરી શકશે. એટલે કે આઇજીએસટીમાં ક્રેડિટ જમા હોય તો તે સીજીએસટી અને એસજીએસટીમાં વાપરી શકે તેવો સુધારો કરવાની જાહેરાત જીએસટીમાં કરવામાં આવી હતી. જોકે તેનો અમલ નહીં થવાના કારણ કે ૩બી રીટર્ન ભરવાના છેલ્‍લા દિવસે અનેક વેપારીઓ મુંઝવણમાં મુકાયા હતા.

ફેબ્રુઆરી માસના બીજા સપ્તાહમાં જીએસટી વિભાગ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે આઇજીએસટી, સીજીએસટીમાં ક્રેડિટ જમા હોય તો તેનો વપરાશ એસજીએસટીમાં પણ કરી શકાશે. તેમજ પોર્ટલ પર તેનો સુધારો પણ કરી દેવામાં આવશે. જોકે વેપારીઓને એવું હતુ કે ૨૦મી તારીખે જીએસટી રીટર્ન ભરવાના છેલ્‍લા દિવસો સુધીમાં તે સુધારો અમલમાં આવી જાય તો જમા રહેલી ક્રેડિટમાંથી ટેક્‍સની રકમની ચુકવણી કરી શકાશે. જેથી તેઓ પાસે રહેલી રોકડ રકમ વેપારનો વ્‍યાપ વધારવા માટે કરી શકાશે. પરંતુ ૨૦મી તારીખ સુધીમાં પણ જીએસટી પોર્ટલ પર તેને લગતો સુધારો કરવામાં આવ્‍યો નહોતો. તેના લીધે વેપારીઓએ ટેક્‍સ ભરવા માટે રોકડ રકમ જમા કરાવવાની સ્‍થિતી ઉભી થઈ હતી.

વેપારીઓ દ્વારા જીએસટીના નિયમો હેઠળ જ ટેક્‍સની રકમ ભરતા હોય છે. જે રકમ પૈકી કેટલીક રકમ આઈજીએસટી, સીજીએસટીમાં જમા થતી હોય છે. હવે આ રકમ અન્‍યમાં એટલે કે એસજીએસટીમાં વાપરી શકાય તેવો સુધારો કરવામાં આવ્‍યો નહીં હોવાના કારણે મોટાભાગના રાજ્‍ય સરકાર દ્વારા આ સુધારો કરવા માટે ભલામણ કરવામાં આવી હતી. તેના આધારે ક્રેડિટ જમા હોય તો કોણ પણ હેડમાં વાપરી શકાય તેવી જાહેરાત તો કરી દીધી હતી. પરંતુ તેન અમલ હજુ સુધી કરવામાં આવ્‍યો નહીં હોવાના લીધે હવે વેપારીઓ વધુ એક મહિના સુધી સિસ્‍ટમમાં સુધારાની રાહ જોવાની સ્‍થિતી ઉભી થઇ છે. 

(10:16 AM IST)