<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st February 2026

આસામના જ્‍વેલરીના શોરૂમમાં ધોળાદિવસે કરોડોના દાગીનાની લૂંટ

ગેંગે હથિયારથી કર્મચારીઓ અને ગ્રાહકોને ડરાવ્‍યા હતા અને શોરૂમમાં રાખેલા કિંમતી ઘરેણાંઓ પર હાથ સાફ કર્યો હતો

નવી દિલ્‍હી તા.૨૧: આસામમાં ધોળા દિવસે કરોડોની લૂંટની ઘટના સામે આવી છે, જેમાં કરોડો રૂપિયાના ઘરેણાંઓ ચોરોએ સાફ કરી નાખ્‍યાં છે. બરપેટા રોડ ટાઉનમાં બનેલી આ ઘટનાએ આખા વિસ્‍તારમાં ભયનો માહોલ સર્જ્‍યો છે.

આ ઘટના શહેરના સૌથી વ્‍યસ્‍ત વિસ્‍તાર દુર્ગાબાડી રોડ પર આવેલા પ્રતિષ્ઠિત જ્‍વેલરી શોરૂમ 'સેન્‍કો અલંકાર'માં બની હતી. મળતી માહિતી અનુસાર, બપોરના સમયે શોરૂમમાં હથિયાર સાથે પાંચ શખ્‍સો ઘૂસી આવ્‍યા હતા. આ ગેંગે હથિયારથી કર્મચારીઓ અને ગ્રાહકોને ડરાવ્‍યા હતા અને શોરૂમમાં રાખેલા કિમતી ઘરેણાંઓ પર હાથ સાફ કર્યો હતો.

લૂંટારાઓ કરોડો રૂપિયાના ઘરેણાં લઈને ફરાર થઈ ગયા હતા. જોકે, લૂંટની ચોક્કસ રકમનો હજુ સત્તાવાર આંકડો નક્કી થયો નથી, પરંતુ સ્‍થાનિક સૂત્રો અનુસાર આ રકમ ૪ કરોડથી લઈને ૧૨ કરોડ રૂપિયા સુધીની હોઈ શકે છે. આ વસ્‍તુઓમાં સોનાના ઘરેણાં, હીરાના આભૂષણો, ચાંદીની વસ્‍તુઓ અને રોકડ પણ સામેલ છે.

આ શોરૂમના માલિક અસિત દેવનાથ છે, જેઓ કોકરાઝારના રહેવાસી છે. આ ઘટનાની જાણ થતાં જ સ્‍થાનિક પોલીસની ટીમ તાત્‍કાલિક ઘટનાસ્‍થળે પહોંચી ગઈ હતી અને આખા વિસ્‍તારમાં નાકાબંધી કરી દીધી હતી. પોલીસે જણાવ્‍યું છે કે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓની ઓળખ કરીને તેમને ઝડપી પાડવા માટે ટીમો બનાવવામાં આવી છે.

(10:36 AM IST)