<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st February 2026

દારૂબંધીને કારણે વૈભવી લગ્ન સમારોહ રાજસ્‍થાન ચાલ્‍યા જતાં હોટલ ઉદ્યોગને ૧૫૦૦ કરોડનું નૂકસાન

ગુજરાતને વેડીંગ ડેસ્‍ટીનેશન બનતા રોકી રહી છે દારૂબંધી : વેડીંગ ડેસ્‍ટીનેશન તરીકે રાજસ્‍થાનનો દબદબો : હોટલ ઉદ્યોગની માંગણીઃ બાબા આદમ વખતના દારૂબંધીના નિયમો હવે બદલવા જરૂરી : NRI ગુજરાત આવે તો આવ્‍યાનાં પાંચ દિવસમાં લીકર શોપ જવું પડે નહિતર....

અમદાવાદઃ રાજ્‍ય સરકારે તાજેતરમાં રજૂ કરેલા બજેટમાં ગુજરાતને વૈભવી અને સંસ્‍કૃતિથી સમૃદ્ધ લગ્ન સ્‍થળ તરીકે સ્‍થાપિત કરવા ‘‘વેડ ઇન ગુજરાત'' કેમ્‍પેઇન માટેના આયોજનની જાહેરાત કરી હતી. એકતરફ ગુજરાતમાં દારૂબંધી છે, પણ રાજ્‍ય સરકારને હેલ્‍થ લિકર પરમિટ ફી પેટે થતી આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળ્‍યો હતો. ગુજરાત વિધાનસભામાં જાહેર થયેલી વિગત પ્રમાણે, ૨૦૨૪-૨૦૨૫ના સમયગાળામાં રાજ્‍યને કુલ રૂ. ૭,૮૮,૬૮,૦૦૦ ની આવક થઈ હતી. જ્‍યારે ૨૧ જાન્‍યુઆરી ૨૦૨૫થી ૨૦ જાન્‍યુઆરી ૨૦૨૬ સુધીના સમયગાળામાં આ આવક વધીને રૂ. ૮,૬૩,૧૫,૦૦૦ પર પહોંચી ગઈ હતી. આમ, માત્ર એક જ વર્ષમાં પરમિટ ફીની આવકમાં અંદાજે ૭૪ લાખ રૂપિયાથી વધુનો વધારો નોંધાયો હતો.ગુજરાત સરકાર રાજ્‍યને વેડિગ  અને ટુરિઝમ ડેસ્‍ટિનેશન તરીકે સ્‍થાપિત કરવા માંગે છે. પરંતુ ગુજરાતમાં દારૂબંધીના કારણે  લગભગ ૫૦૦ શાહી લગ્નો રાજસ્‍થાનમાં યોજાય છે. જેના કારણે રાજ્‍યને  વેડિગ બિઝનેસમાં દર વર્ષે અંદાજે રૂ. ૧,૫૦૦ કરોડનું નુકસાન થાય છે.

૨૦૩૦માં કોમનવેલ્‍થ ગેમ્‍સ  અને ૨૦૨૯માં વર્લ્‍ડ પોલીસ એન્‍ડ ફાયર ગેમ્‍સ અમદાવાદમાં યોજાવા જઈ રહી છે, ત્‍યારે અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી ચાર-પાંચ વર્ષમાં ૪,૦૦૦ થી ૫,૦૦૦ ફોર-સ્‍ટાર અને ફાઈવ-સ્‍ટાર રૂમ ઉમેરાય તેવા હોટેલ પ્રોજેક્‍ટ્‍સ પ્રસ્‍તાવિત છે. પરંતુ હોટેલ માલિકો અને લિકર શોપના માલિકોનું કહેવું છે કે, નશાબંધી વિભાગ પોતે ડિજિટલ થઈ ગયો હોવા છતાં તેના નિયમો હજુ પણ જૂના જમાનામાં અટવાયેલા છે.

સૂત્રોના જણાવ્‍યા મુજબ સૌથી મોટી મુશ્‍કેલી NRI અને NRG  એ ગુજરાતમાં આવ્‍યાના પાંચ દિવસમાં જ લાયસન્‍સ ધરાવતી લિકર શોપની મુલાકાત લેવી પડે તે નિયમ છે. જો તમે આ સમયમર્યાદા ચૂકી જાઓ, તો પછી તમે ભલે ગમે તેટલા મહિના ગુજરાતમાં રોકાવાના હોવ, તમને પરમિટ મળી શકતી નથી. અન્‍ય રાજ્‍યોના પ્રવાસીઓની હાલત પણ આવી જ છે. તેમને માત્ર સાપ્તાહિક પરમિટ મળે છે, જે જે-તે જિલ્‍લામાં જ રિન્‍યુ કરાવી શકાય છે.

લિકર શોપ માલિકાના કહેવા પ્રમાણે, અમારી પાસે દરરોજ એવા કિસ્‍સાઓ આવે છે જેમાં NRI/NRG પાંચ દિવસમાં પહોંચી શકતા નથી અને પરિણામે આખા રોકાણ દરમિયાન તેમને પરમિટ વગર રહેવું પડે છે. જોકે, વિદેશી નાગરિકો માટે આવું નથી. આ નિયમને કારણે કેટલાક લોકો ગેરકાયદેસર રીતે દારૂ મેળવવા પ્રેરાય છે. આ ડિજિટલ યુગમાં બ્રિટિશ કાળના જૂના નિયમોનો કોઈ તર્ક નથી, જેના કારણે દુકાનદારો અને સરકાર બંનેને આવકનું નુકસાન થાય છે.

સૂત્રોએ જણાવ્‍યું હતું કે, આ નિયમો રાજ્‍યના વેડિગ માર્કેટને નુકસાન પહોંચાડી રહ્યા છે. તેમણે કહ્યું, ગુજરાતને વેડિગ બિઝનેસમાં સરેરાશ ૧,૫૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થાય છે. લગ્નની સિઝનમાં આશરે ૫૦૦ જેટલા મોટા શાહી લગ્નો પાડોશી રાજ્‍ય રાજસ્‍થાનમાં જાય છે. આનું મુખ્‍ય કારણ દારૂબંધી છે.  ગિફટ સિટીમાં દારૂબંધીમાં અપાયેલી છૂટછાટને આવકારીએ છીએ, પરંતુ ફય્‍ત્‍, ફય્‍ઞ્‍ અને અન્‍ય રાજ્‍યોના મુલાકાતીઓ માટે પણ નિયમો હળવા કરવા જોઈએ. આનાથી લગ્ન, હોટેલ, ટૂર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સ જેવી સંલગ્ન ઉદ્યોગોને પણ વેગ મળશે.(૩૮.૨૧)

(10:58 AM IST)