News of Saturday, 21st February 2026
ટ્રમ્પનો 'ટેક્સ માસ્ટરપ્લાન' અને ભારતની સાવધ નજર: અમેરિકી કોર્ટના ચુકાદા બાદ દિલ્હીમાં હલચલ : વાણિજ્ય મંત્રાલયે આપ્યું નિવેદન
સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના ટેરિફને ગેરકાયદેસર ઠેરવ્યાના ૨૪ કલાકમાં જ રાષ્ટ્રપતિનો નવો એક્ઝિક્યુટિવ ઓર્ડર : ભારત સહિત તમામ દેશો પર ૧૦% ટેક્સ લાદવા 'કલમ ૧૨૨' નો ખેલ ખેલાયો

નવી દિલ્હી: અમેરિકામાં ચાલી રહેલી 'કાયદો વિરુદ્ધ રાષ્ટ્રપતિ'ની લડાઈ પર ભારત સરકારે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. યુએસ સુપ્રીમ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફને "ગેરકાયદેસર" જાહેર કર્યા બાદ, ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું છે કે તેઓ આ સમગ્ર વિકાસક્રમનો ખૂબ જ નજીકથી અભ્યાસ કરી રહ્યા છે. શુક્રવારે કોર્ટે ટ્રમ્પના ૧૮% જેટલા ભારે ટેરિફનો કાનૂની આધાર છીનવી લીધો હતો, જેનાથી ભારતને મોટી રાહત મળવાની આશા હતી. જોકે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે હાર માનવાને બદલે શનિવારે ફરી એકવાર નવો 'એક્ઝિક્યુટિવ ઓર્ડર' જારી કરીને વિશ્વભરના દેશોને ચોંકાવી દીધા છે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર ગર્વ સાથે જાહેરાત કરી કે તેમણે તમામ દેશો પર વૈશ્વિક ૧૦ ટકા ટેરિફ લાદવા માટેના આદેશ પર હસ્તાક્ષર કરી દીધા છે. આ નવો ટેક્સ ૨૪ ફેબ્રુઆરીના રોજ ભારતીય સમય મુજબ સવારે ૧૦:૩૧ વાગ્યાથી અમલમાં આવશે. સુપ્રીમ કોર્ટે જ્યારે જૂના કાયદા (IEEPA) નો ઉપયોગ અટકાવ્યો, ત્યારે ટ્રમ્પે 'કલમ ૧૨૨' નામના ઓછા જાણીતા કાયદાનો આશરો લીધો છે. આ કાયદો રાષ્ટ્રપતિને ૧૫૦ દિવસ સુધી ૧૫ ટકા સુધીનો ટેક્સ લાદવાની સત્તા આપે છે. ભારત સરકાર હવે એ તપાસી રહી છે કે આ નવા ૧૦ ટકા ટેરિફથી ભારતીય નિકાસકારો અને અર્થતંત્ર પર કેટલી અને કેવી અસર પડશે.
ભારત માટે આ પરિસ્થિતિ 'ધર્મસંકટ' જેવી છે. એક તરફ સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ભારત પરનો ટેક્સ ઘટીને ૩.૫ ટકા (મોસ્ટ ફેવર્ડ નેશન દરજ્જા મુજબ) થઈ શક્યો હોત, પરંતુ ટ્રમ્પના નવા ૧૦ ટકા ટેરિફે આ ગણતરીઓ બગાડી નાખી છે. વાણિજ્ય મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રેસ કોન્ફરન્સ અને અમેરિકી વહીવટીતંત્ર દ્વારા લેવાયેલા ચોક્કસ ડગલાંનું ઊંડું વિશ્લેષણ કરી રહ્યા છે. આગામી દિવસોમાં ભારત આ મુદ્દે અમેરિકા સાથે રાજદ્વારી સ્તરે વાટાઘાટો કરે અથવા પોતાની વેપાર નીતિમાં ફેરફાર કરે તેવી પૂરી શક્યતા છે. અત્યારે તો સમગ્ર વિશ્વની નજર ૨૪ ફેબ્રુઆરી પર ટકેલી છે, જ્યારે આ નવો આર્થિક કાયદો હકીકતમાં અમલી બનશે.
(5:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
