News of Saturday, 21st February 2026
આતંકનો પડછાયો: પંજાબ અને કાશ્મીરમાં જીવતા બોમ્બ મળતા ખળભળાટ : લશ્કરની ધમકી બાદ દિલ્હી 'હાઈ એલર્ટ' પર
અમૃતસર અને ગાંદરબલમાં IED મળી આવતા સુરક્ષા એજન્સીઓ એક્શનમાં : લાલ કિલ્લો અને ચાંદની ચોકના મંદિરો લશ્કર-એ-તૈયબાના નિશાન પર હોવાની ગુપ્તચર ચેતવણી : ત્રણ મહિના અગાઉના કાર વિસ્ફોટ બાદ રાજધાનીમાં લોખંડી બંદોબસ્ત

નવી દિલ્હી: ભારતની સરહદી સુરક્ષા અને રાજધાનીની શાંતિને ડહોળવા માટે પાકિસ્તાની આતંકવાદી સંગઠન 'લશ્કર-એ-તૈયબા' ફરી એકવાર સક્રિય થયું હોય તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. ૨૧ ફેબ્રુઆરીના રોજ પંજાબના અમૃતસર અને કાશ્મીરના ગાંદરબલમાંથી જીવતા IED (વિસ્ફોટકો) મળી આવતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. અમૃતસરના રેયા પોલીસ ચોકી પાસે એક બિનવારસી બેગમાંથી બોમ્બ મળી આવતા તેને નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો, જ્યારે કાશ્મીરમાં એક અઠવાડિયામાં આ ત્રીજો IED પકડાયો છે. આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે ગુપ્તચર એજન્સીઓએ દિલ્હીમાં મોટા આતંકવાદી હુમલાની ચોક્કસ ચેતવણી (In-put) આપી છે.
સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, લશ્કર-એ-તૈયબા દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા અને ધમધમતા ચાંદની ચોક વિસ્તારમાં આવેલા પ્રાચીન મંદિરોને નિશાન બનાવવાની ફિરાકમાં છે. ખાસ કરીને ભીડભાડવાળા બજારોમાં IED વિસ્ફોટ કરવાનું કાવતરું હોવાની આશંકા છે. નોંધનીય છે કે માત્ર ત્રણ મહિના પહેલા જ લાલ કિલ્લા પાસે થયેલા ભયાનક કાર બોમ્બ વિસ્ફોટમાં ૧૨ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે હુમલામાં જૈશ-એ-મોહમ્મદની સંડોવણી હોવાનું ખુલ્યું હતું, પરંતુ હવે લશ્કર દ્વારા નવેસરથી કાવતરું ઘડવામાં આવી રહ્યું હોવાથી જૂની દિલ્હીના અનેક વિસ્તારોમાં સીસીટીવી સર્વેલન્સ અને પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.
દિલ્હી પોલીસ દ્વારા અત્યારે ચાંદની ચોક અને લાલ કિલ્લા તરફ જતા રસ્તાઓ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને ટ્રાફિક એડવાઈઝરી જારી કરી છે. મંદિરો અને પ્રવાસન સ્થળો પર આવતા દરેક વ્યક્તિનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમો ઉત્તર કાશ્મીરમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે જેથી કોઈ છુપાયેલા વિસ્ફોટકો રહી ન જાય. સંયુક્ત રાષ્ટ્રની આતંકવાદ દેખરેખ ટીમે પણ જૈશ અને લશ્કર જેવા સંગઠનો વચ્ચેના જોડાણ અંગે ચેતવણી આપી છે, જેને પગલે સમગ્ર ઉત્તર ભારતની સુરક્ષા એજન્સીઓને ૨૪ કલાક સતર્ક રહેવા આદેશ આપવામાં આવ્યો છે.
(5:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
