MPમાં રાજકીય સંગ્રામ: ભાજપ-કોંગ્રેસ વચ્ચે લોહીયાળ જંગ: પથ્થરમારો, લાઠીચાર્જ અને પૂર્વ ધારાસભ્ય લોહીલુહાણ!
AI સમિટના વિવાદની આગ મધ્યપ્રદેશ સુધી પહોંચી : ઈન્દોરથી ભોપાલ સુધી પથ્થરમારો અને તોફાનો, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વિપિન વાનખેડે ઘાયલ : ભાજપે કોંગ્રેસ કાર્યાલયો ઘેર્યા, તો કોંગ્રેસે તલવારો અને લાકડીઓ સાથે પલટવાર કર્યો હોવાનો આક્ષેપ

ભોપાલ: દિલ્હીની એઆઈ સમિટમાં યુથ કોંગ્રેસના અર્ધ-નગ્ન પ્રદર્શનનો પડઘો હવે મધ્યપ્રદેશમાં હિંસક અથડામણ રૂપે સંભળાઈ રહ્યો છે. શનિવારે ભોપાલ, ઈન્દોર અને ઉજ્જૈન સહિતના અનેક જિલ્લાઓમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતા. ભોપાલમાં ભાજપ યુવા મોરચાના સેંકડો કાર્યકરોએ કોંગ્રેસના રાજ્ય કાર્યાલયને ઘેરી લેતા સ્થિતિ તંગ બની હતી. કાર્યકરો બેરિકેડ તોડીને ગેટ પર ચઢી ગયા હતા, જેના જવાબમાં કોંગ્રેસીઓએ પથ્થરમારો કર્યો હતો. કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપના લોકો લાકડીઓ અને તલવારો સાથે હુમલો કરવા આવ્યા હતા, જ્યારે ભાજપે વળતો પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસે દેશની છબી ખરાબ કરી છે.
ઇન્દોરના ગાંધી ભવન પાસે સ્થિતિ અત્યંત સ્ફોટક બની હતી, જ્યાં બંને પક્ષો વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો. આ હિંસામાં કોંગ્રેસના ગ્રામીણ જિલ્લા પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય વિપિન વાનખેડે ગંભીર રીતે ઘાયલ થયા છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે વોટર કેનન (પાણીના તોપ) નો ઉપયોગ કરવો પડ્યો હતો. પોલીસના બેરિકેડ્સ હોવા છતાં કાર્યકરો એકબીજા પર તૂટી પડ્યા હતા, જેમાં અનેક પોલીસકર્મીઓ અને પત્રકારોને પણ ઈજાઓ પહોંચી છે. ઉજ્જૈનમાં પણ ભાજપ દ્વારા રાહુલ ગાંધીનું પુતળું બાળવામાં આવ્યું હતું, જેના વળતા જવાબમાં કોંગ્રેસે પીએમ મોદીનું પુતળું બાળવાનો પ્રયાસ કરતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું.
માત્ર શહેરો જ નહીં, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં પણ આ રાજકીય યુદ્ધ ફેલાયું છે. મંદસૌરમાં સોનિયા અને રાહુલ ગાંધીના પોસ્ટરો પર કાળી શાહી ફેંકવામાં આવી હતી, તો અનુપપુરમાં કોંગ્રેસનું 'રેલ રોકો' આંદોલન પોલીસે નિષ્ફળ બનાવ્યું હતું. કોંગ્રેસે પોલીસ અને વહીવટીતંત્ર પર ભાજપના એજન્ટ તરીકે કામ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. બીજી તરફ, ભાજપે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી કોંગ્રેસ આંતરરાષ્ટ્રીય મંચ પર દેશનું અપમાન કરવા બદલ માફી નહીં માંગે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે. આ હિંસક ઘટનાઓને પગલે સમગ્ર મધ્યપ્રદેશમાં કલમ ૧૪૪ લાગુ કરવાની અને વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવાની જરૂરિયાત ઊભી થઈ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
