<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st February 2026

હજ-ઉમરાહના યાત્રાળુઓ માટે સાઉદી સરકારનું સુરક્ષા કવચ: હવે વિદેશી મુસાફરોને મળશે ૯૦ દિવસનો ફરજિયાત હેલ્થ ઇન્શ્યોરન્સ, વિઝા સાથે જ લિંક થશે પોલિસી

બીમારી કે અકસ્માતના સમયે આર્થિક બોજમાંથી મળશે મુક્તિ; ઇમરજન્સી સારવાર અને હોસ્પિટલના ખર્ચને આવરી લેતી નવી વ્યવસ્થાથી લાખો ભારતીય યાત્રાળુઓને થશે મોટો ફાયદો

રિયાધ: ઇસ્લામ ધર્મના પવિત્ર મક્કા અને મદીનાની યાત્રાએ જનારા લાખો શ્રદ્ધાળુઓ માટે સાઉદી અરેબિયા સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને પ્રશંસનીય નિર્ણય લીધો છે. સાઉદી સત્તાવાળાઓએ વિદેશી હજ અને ઉમરાહ યાત્રાળુઓ માટે ૯૦ દિવસનું ફરજિયાત આરોગ્ય કવર (Health Insurance) રજૂ કર્યું છે. આ નવી વ્યવસ્થાનો મુખ્ય હેતુ યાત્રા દરમિયાન ઉભી થતી તબીબી કટોકટીમાં યાત્રાળુઓને નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનો છે.
વિઝાની સાથે જ મળશે વીમાની સુવિધા
નવા નિયમ મુજબ, હવે યાત્રાળુઓએ અલગથી વીમો લેવા માટે ક્યાંય ભટકવું નહીં પડે. આ આરોગ્ય વીમો સીધો જ હજ અને ઉમરાહના વિઝા જારી કરવા સાથે જોડી દેવામાં આવ્યો છે. જેવો યાત્રાળુ સાઉદી અરેબિયાની ધરતી પર પ્રવેશ કરશે, ત્યારથી લઈને સતત ૯૦ દિવસ સુધી આ વીમા કવચ અમલી રહેશે. આનાથી વિઝા પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શક બનશે.
શું આવરી લેવામાં આવશે આ વીમામાં?
આ ૯૦ દિવસની પોલિસી ખાસ કરીને કટોકટીની તબીબી સારવાર (Emergency Treatment) માટે બનાવવામાં આવી છે. જો યાત્રા દરમિયાન કોઈ શ્રદ્ધાળુ અચાનક બીમાર પડે, અકસ્માતનો ભોગ બને કે તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે, તો તેનો તમામ ખર્ચ આ વીમા હેઠળ આવરી લેવામાં આવશે. જોકે, નિયમિત હેલ્થ ચેકઅપ કે જૂની બીમારીઓની સામાન્ય તપાસ માટે આ વીમો લાગુ પડશે નહીં.
નાણાકીય બોજ ઘટશે અને સેવા સુધરશે
દર વર્ષે ભારત સહિત વિશ્વભરમાંથી કરોડો લોકો સાઉદી અરેબિયા પહોંચતા હોય છે. ઘણીવાર વિદેશી ધરતી પર અચાનક આવેલી બીમારી યાત્રાળુઓના બજેટને ખોરવી નાખતી હોય છે. સાઉદી સરકારના આ પગલાથી હવે યાત્રાળુઓ પરનો આર્થિક બોજ ઘટશે અને તેમને સાઉદીની શ્રેષ્ઠ હોસ્પિટલોમાં ઝડપી સારવાર મળી શકશે. જાહેર આરોગ્યના સંચાલન માટે પણ આ નિર્ણય માસ્ટરસ્ટ્રોક સાબિત થશે.
સાઉદી અરેબિયાના 'વિઝન ૨૦૩૦' હેઠળ યાત્રાળુઓની સુવિધાઓમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે, અને આ વીમા પોલિસી તે દિશામાં એક મજબૂત કદમ છે.

(8:04 PM IST)