તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 21st February 2026
નેશનલ હાઇવે પર હવે ‘રોકડા’ નહીં ચાલે: ૧ એપ્રિલથી ટોલ પ્લાઝા પર કેશ પેમેન્ટ સંપૂર્ણ બંધ કરવાની NHAIની તૈયારી
હાઇવે પર ટ્રાફિક અને સમય બચાવવા માટે કેન્દ્ર સરકારનો મોટો માસ્ટરપ્લાન; ફાસ્ટેગ ન હોય તો UPI થી ચૂકવવા પડશે વધારાના પૈસા, ડિજિટલ ઇન્ડિયા તરફ વધુ એક કદમ

નવી દિલ્હી: રાષ્ટ્રીય ધોરીમાર્ગો (National Highways) પર મુસાફરી કરતા વાહનચાલકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) આગામી ૧ એપ્રિલ, ૨૦૨૬ થી દેશના તમામ ટોલ પ્લાઝા પરથી રોકડ વ્યવહારો એટલે કે કેશ કલેક્શન સંપૂર્ણપણે નાબૂદ કરવાની યોજના બનાવી રહી છે. આ નવા નિયમ બાદ હાઇવે પરથી પસાર થવા માટે તમારી પાસે ડિજિટલ ચુકવણી સિવાય બીજો કોઈ વિકલ્પ રહેશે નહીં.
કેમ લેવાયો આ કડક નિર્ણય?
સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય ટોલ પ્લાઝા પર લાગતી વાહનોની લાંબી કતારોને ઓછી કરવાનો અને ટોલ વસૂલાતની પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવાનો છે. હાલમાં દેશમાં ૯૮ ટકાથી વધુ વાહનોમાં FASTag કાર્યરત છે, તેમ છતાં જે ૨ ટકા લોકો રોકડમાં વ્યવહાર કરે છે તેમના કારણે ઘણીવાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે. સંપૂર્ણ ડિજિટલ સિસ્ટમ લાગુ થવાથી વાહનો અટક્યા વગર ટોલ પસાર કરી શકશે.
UPI ચુકવણી પર લાગશે એક્સ્ટ્રા ચાર્જ
નવા નિયમો મુજબ, જો તમારી પાસે ફાસ્ટેગ નથી અને તમે UPI (Google Pay, PhonePe વગેરે) દ્વારા ટોલ ચૂકવવા માંગો છો, તો તમારે સામાન્ય ફી કરતાં ૧.૨૫ ગણું શુલ્ક ચૂકવવું પડશે. ઉદાહરણ તરીકે, જો ટોલ ૧૦૦ રૂપિયા હોય, તો UPI થી ૧૨૫ રૂપિયા કપાઈ શકે છે. જોકે, ફાસ્ટેગ વગર ટોલ લેનમાં પ્રવેશવા પર હજુ પણ બમણો (૨ ગણો) દંડ વસૂલવાની જોગવાઈ ચાલુ રહેશે.
RFID ટેકનોલોજીથી મુસાફરી થશે સ્માર્ટ
ટોલ પ્લાઝા પર હાલમાં RFID (Radio Frequency Identification) ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, જે વાહનની વિન્ડસ્ક્રીન પર લાગેલા ફાસ્ટેગને આપમેળે સ્કેન કરી લે છે. ૧ એપ્રિલથી આ સિસ્ટમને વધુ મજબૂત બનાવવામાં આવશે જેથી ટેકનિકલ ખામીઓને કારણે વાહનોને થોભવું ન પડે.
પારદર્શિતા અને ઝડપ પર ભાર
NHAI માને છે કે રોકડ વ્યવહાર બંધ થવાથી માનવીય હસ્તક્ષેપ ઘટશે અને ટોલની આવકમાં થતી ગેરરીતિઓ અટકશે. મુસાફરો માટે આ સુવિધા આશીર્વાદરૂપ સાબિત થશે કારણ કે તેમને ટોલ પર છુટા પૈસાની માથાકૂટમાંથી મુક્તિ મળશે અને ઇંધણની પણ બચત થશે.
(8:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
