તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 21st February 2026
ઠાકરે ભાઈઓ વચ્ચે ફરી ખટરાગ! શું 'મરાઠી મોરચો': પત્તાના મહેલની જેમ વિખેરાઈ જશે? ત્રણ બેઠકોએ વધાર્યું સસ્પેન્સ!
BMCની નામાંકિત બેઠકો પર ઉદ્ધવ ઠાકરેની 'નો' અને રાજ ઠાકરેની મુખ્યમંત્રી શિંદે સાથેની ગુપ્ત મુલાકાતે મુંબઈનું રાજકારણ ગરમાવ્યું :ગઠબંધનની એક્સપાયરી ડેટ નજીક હોવાના મનસે નેતાઓના સંકેત

મુંબઈ: મુંબઈની ધરતી પર ફરી એકવાર ઠાકરે પરિવારના બે દિગ્ગજો વચ્ચે 'રાજકીય શતરંજ' ખેલાઈ રહી છે. શિવસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના વચ્ચે રચાયેલું 'મરાઠી માનૂસ'નું ગઠબંધન અત્યારે આઈસીયુ માં હોય તેવું લાગી રહ્યું છે. વિવાદનું મુખ્ય કેન્દ્ર BMC (મુંબઈ મહાનગરપાલિકા) ની ત્રણ નામાંકિત કોર્પોરેટર બેઠકો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ ઠાકરેએ પોતાના પક્ષ માટે એક બેઠકની માંગણી કરી હતી, પરંતુ ઉદ્ધવ ઠાકરેએ આ માંગણીને ફગાવી દેતા બંને ભાઈઓ વચ્ચેના સંબંધોમાં ફરી કડવાશ ભળી છે. ઉદ્ધવ ઠાકરે જૂથનું માનવું છે કે ૬૫ બેઠકો જીતનાર પક્ષ માત્ર ૬ બેઠકો જીતનાર પક્ષ સામે આટલી મોટી બાંધછોડ ન કરી શકે.
આ તણાવની વચ્ચે રાજ ઠાકરેની મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથેની અચાનક મુલાકાતે આખા મહારાષ્ટ્રમાં અટકળોનું બજાર ગરમ કરી દીધું છે. રાજકીય પંડિતો માની રહ્યા છે કે જો ઉદ્ધવ ઠાકરે સાથે વાત નહીં બને, તો રાજ ઠાકરે શિંદે જૂથ સાથે નવું સમીકરણ રચી શકે છે. આ મુલાકાત બાદ શિંદે જૂથના પ્રવક્તા સાયના એનસીએ પણ રાજ ઠાકરેના નિવાસસ્થાન 'શિવતીર્થ'ની મુલાકાત લેતા બળતામાં ઘી હોમાયું છે. મનસે નેતા અવિનાશ અભ્યંકરના નિવેદને તો સ્પષ્ટ સંકેત આપ્યા છે કે "દરેક સંબંધની એક એક્સપાયરી ડેટ હોય છે", જે દર્શાવે છે કે મનસે હવે ઉદ્ધવ ઠાકરેના વલણથી કંટાળી ગઈ છે અને નવા રસ્તા શોધી રહી છે.
બીજી તરફ, ઉદ્ધવ ઠાકરે જૂથ હજુ પણ 'ઓલ ઈઝ વેલ' હોવાનો દાવો કરી રહ્યું છે. આનંદ દુબે જેવા નેતાઓ કહી રહ્યા છે કે બંને ભાઈઓ સમજદાર છે અને મરાઠી અસ્મિતા માટે સાથે જ રહેશે. જોકે, સોશિયલ મીડિયા પર મનસે કાર્યકરોની નારાજગી કંઈક અલગ જ વાર્તા કહી રહી છે. "હૃદયમાં પ્રેમ ન હોય તો સંબંધનો શું અર્થ?" જેવા મેસેજ વોટ્સએપ સ્ટેટસમાં ફરી રહ્યા છે. હવે સવાલ એ છે કે શું રાજ ઠાકરે ફરી એકવાર પોતાના ભાઈનો સાથ છોડીને શિંદે-ભાજપ ગઠબંધન તરફ ઝુકાવ બતાવશે? આગામી દિવસોમાં રાજ ઠાકરે દ્વારા લેવામાં આવનારો 'અંતિમ નિર્ણય' મુંબઈના રાજકારણની દિશા બદલી શકે છે.
(8:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
