<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st February 2026

ટ્રમ્પનો ઈરાનમાં ૩૨,૦૦૦ના મોતનો સનસનાટીભર્યો દાવો : તેહરાને કહ્યું- "પુરાવા આપો અથવા જૂઠાણું બંધ કરો"

વ્હાઇટ હાઉસથી ટ્રમ્પનું ૧૦ દિવસનું અલ્ટીમેટમ: ઈરાન સમાધાન કરે નહીંતર 'ગંભીર પરિણામો' ભોગવવા તૈયાર રહે: ઓસ્ટ્રેલિયા સહિત અનેક દેશોએ નાગરિકોને તાત્કાલિક ઈરાન છોડવા આદેશ આપ્યો

તેહરાન  : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનમાં ટૂંકા ગાળામાં ૩૨,૦૦૦ લોકો માર્યા ગયા હોવાનો દાવો કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. વ્હાઇટ હાઉસ ખાતેની પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે ઈરાની નેતાઓને ચેતવણી આપી હતી કે તેઓ કાં તો વાજબી કરાર કરે અથવા વિનાશક લશ્કરી કાર્યવાહીનો સામનો કરે. ટ્રમ્પે જણાવ્યું કે ઈરાનની જનતા તેમના શાસકોથી કંટાળી ગઈ છે અને ત્યાંની સ્થિતિ અત્યંત "દુઃખદ" છે. જોકે, આટલી મોટી સંખ્યામાં થયેલા મોતના આંકડા પાછળ ટ્રમ્પે કોઈ મજબૂત પુરાવા રજૂ કર્યા નથી, જેના કારણે ઈરાની સરકાર લાલઘૂમ થઈ છે અને તેને અમેરિકાનું "માનસિક યુદ્ધ" ગણાવ્યું છે.

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ટ્રમ્પના દાવાને સખત શબ્દોમાં ફગાવી દેતા સોશિયલ મીડિયા પર પુરાવા માંગ્યા છે. અરાઘચીએ સ્પષ્ટ કર્યું કે તાજેતરના આતંકવાદી હુમલામાં ૩,૧૧૭ લોકોના મોત થયા છે, જેની સત્તાવાર યાદી જાહેર કરી દેવામાં આવી છે. તેમણે પ્રશ્ન કર્યો કે અમેરિકા કયા આધારે ૩૨,૦૦૦નો આંકડો બતાવી રહ્યું છે? આ તરફ, ટ્રમ્પે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે આગામી ૧૦ દિવસમાં ઈરાન વિરુદ્ધ મોટી લશ્કરી કાર્યવાહી અંગેનો નિર્ણય લેવામાં આવશે. જો ઈરાન પોતાની પરમાણુ નીતિ કે ક્ષેત્રીય દખલગીરી અંગે નમતું નહીં જોખે, તો અમેરિકા કડક લશ્કરી પગલાં લેવા માટે સજ્જ છે.

દરમિયાન, યુદ્ધની આશંકાને પગલે ઓસ્ટ્રેલિયા, જર્મની અને સ્વીડન સહિતના પશ્ચિમી દેશોએ ઈરાનમાં રહેતા પોતાના નાગરિકો માટે 'એર ટ્રાફિક' બંધ થાય તે પહેલા જ દેશ છોડવાની એડવાઈઝરી જારી કરી છે. ઓસ્ટ્રેલિયન સરકારે ચેતવણી આપી છે કે ઈરાનમાં સુરક્ષા પરિસ્થિતિ અત્યંત અસ્થિર છે અને ગમે ત્યારે હવાઈ ક્ષેત્ર બંધ થઈ શકે છે. નાગરિકોને પૂરતો ખોરાક, પાણી અને દવાનો સંગ્રહ કરવા તેમજ પ્રદર્શનોથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે. વિશ્વના નેતાઓ અત્યારે શ્વાસ અધ્ધર કરીને ટ્રમ્પના ૧૦ દિવસના અલ્ટીમેટમના અંતની રાહ જોઈ રહ્યા છે, જે મધ્ય પૂર્વના નકશાને બદલી શકે છે.

(8:46 PM IST)