News of Saturday, 21st February 2026
જ્યારે એક 'પૈસા'માં મળી સ્વચ્છતાની ક્રાંતિ! જાણો કેવી રીતે લંડનની દુર્ગંધ વચ્ચે જન્મ્યું વિશ્વનું પ્રથમ જાહેર ફ્લશિંગ શૌચાલય : લંડનની 'ગ્રેટ સ્ટિંક' થી લઈને આધુનિક ગટર વ્યવસ્થા સુધીની રોમાંચક સફર
પ્લમ્બર જ્યોર્જ જેનિંગ્સનો એ આઈડિયા જેણે દુનિયાની સુરત બદલી નાખી : ૧૮૫૧માં શરૂ થયેલા આ પ્રયોગે ૮ લાખથી વધુ લોકોને 'પ્રીમિયમ' સુવિધા આપી : જેમાં શૌચાલયની સાથે કાંસકો અને શૂ પોલિશ પણ મળતા હતા

લંડન: આજે આપણે જે સાર્વજનિક શૌચાલયોને ખૂબ જ સામાન્ય ગણીએ છીએ, ૧૯મી સદીના મધ્ય સુધી તે એક કલ્પના માત્ર હતા. ૧૮૫૧માં લંડનના 'ગ્રેટ એક્ઝિબિશન'માં બ્રિટીશ સેનિટરી એન્જિનિયર જ્યોર્જ જેનિંગ્સે સૌપ્રથમવાર ફ્લશિંગ શૌચાલયની અજાયબી દુનિયા સમક્ષ રજૂ કરી હતી. આ પ્રદર્શનમાં જેનિંગ્સે માત્ર એક પેની (પૈસા) ના બદલામાં લોકોને સ્વચ્છ શૌચાલય, ટુવાલ, કાંસકો અને શૂ પોલિશ જેવી વૈભવી સુવિધાઓ પૂરી પાડી હતી. આ પ્રયોગ એટલો બધો લોકપ્રિય થયો કે લગભગ ૮,૨૭,૦૦૦ લોકોએ તેનો ઉપયોગ કર્યો અને અહીંથી જ 'સ્પેન્ડિંગ અ પેની' જેવો રૂઢિપ્રયોગ પ્રચલિત થયો, જેનો અર્થ શૌચાલય જવું તેવો થાય છે.
આ સફળતાના પગલે ૨ ફેબ્રુઆરી, ૧૮૫૨ના રોજ લંડનની ફ્લીટ સ્ટ્રીટ પર પુરુષો માટે અને બેડફોર્ડ સ્ટ્રીટ પર મહિલાઓ માટે કાયમી ધોરણે જાહેર શૌચાલયો ખોલવામાં આવ્યા, જેને તે સમયે 'પબ્લિક વેઇટિંગ રૂમ્સ' કહેવામાં આવતા હતા. જોકે, શરૂઆતમાં લંડન પાસે યોગ્ય ગટર વ્યવસ્થા નહોતી અને શહેરનો તમામ કચરો સીધો થેમ્સ નદીમાં ઠલવાતો હતો. ૧૮૫૮ના ઉનાળામાં જ્યારે આ કચરો નદીના કિનારે સડવા લાગ્યો, ત્યારે આખા લંડનમાં એવી ભયંકર દુર્ગંધ ફેલાઈ કે સંસદની કાર્યવાહી પણ અટકાવી દેવી પડી. ઇતિહાસમાં આ ઘટના 'ગ્રેટ સ્ટિંક' તરીકે અમર થઈ ગઈ છે, જેણે સરકારને જાગવા માટે મજબૂર કરી હતી.
આ ગંદકી અને દુર્ગંધના કાયમી ઉકેલ માટે એન્જિનિયર જોસેફ બાઝાલગેટે આધુનિક ભૂગર્ભ ગટર વ્યવસ્થાનું નિર્માણ કર્યું. તેમણે લંડનની નીચે પાઈપોનું એવું જાળું બિછાવ્યું જે શહેરની ગંદકીને વસ્તીથી દૂર લઈ જતી હતી. આશ્ચર્યની વાત એ છે કે, બાઝાલગેટ દ્વારા ૧૭૦ વર્ષ પહેલાં તૈયાર કરાયેલું આ એન્જિનિયરિંગ મોડેલ આજે પણ લંડન જેવા મેગા સિટીની ગંદકી સાફ રાખવામાં સફળતાપૂર્વક કાર્યરત છે. જેનિંગ્સના ફ્લશ ટોઇલેટ અને બાઝાલગેટની ગટર વ્યવસ્થાએ માત્ર લંડનને જ નહીં, પણ સમગ્ર માનવજાતને કોલેરા જેવા રોગોથી બચાવીને સ્વચ્છતાનો એક નવો વૈશ્વિક માર્ગ બતાવ્યો હતો.
(9:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
