હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બંદૂક છોડી બંધારણનો સાથ: નક્સલવાદથી લોકશાહી સુધીની ભૂપતિની સફર
શરણાગતિ પછીના જીવનના અનુભવો: વર્ષોના સંઘર્ષ બાદ મુખ્ય પ્રવાહમાં ભળેલા પૂર્વ માઓવાદી નેતાએ પત્ની સાથેના સંબંધો, આર્થિક ફટકા અને ભવિષ્યના રાજકીય ઈરાદાઓ પર કરી ખુલ્લેઆમ ચર્ચા

ગઢચિરોલી: દાયકાઓ સુધી જંગલોમાં સશસ્ત્ર સંઘર્ષ કર્યા બાદ, ભૂતપૂર્વ સીપીઆઈ (માઓવાદી) નેતા મલ્લોજુલા વેણુગોપાલ રાવ ઉર્ફે ભૂપતિએ હવે શાંતિ અને લોકશાહીનો માર્ગ અપનાવ્યો છે. ગયા વર્ષે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સમક્ષ આત્મસમર્પણ કરનાર ભૂપતિનું માનવું છે કે આ કોઈ એક દિવસનો નિર્ણય નહોતો, પરંતુ વર્ષોના નિરીક્ષણ અને સંગઠનની ભૂલો પરના ચિંતનનું પરિણામ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે બહારનું જીવન તેમની અપેક્ષા કરતા ઘણું સરળ છે અને આ પરિવર્તન માટે તેઓ માનસિક રીતે પહેલેથી જ તૈયાર હતા.
પોતાના અંગત જીવન વિશે વાત કરતા ભૂપતિએ જણાવ્યું કે, શરણાગતિ પછી પણ તેમની પત્ની તારક્કા સાથેના તેમના સંબંધો પહેલા જેવા જ મધુર છે. તેઓ કોઈ પણ પ્રકારનું માનસિક દબાણ અનુભવતા નથી. તેમણે અન્ય સાથીઓને પણ આ પરિવર્તન માટે તૈયાર કર્યા હતા. તેમનું માનવું છે કે સશસ્ત્ર સંઘર્ષનો સમય હવે પૂરો થઈ ગયો છે અને હવે લોકોની વચ્ચે રહીને કામ કરવાનો સમય પાકી ગયો છે.
નક્સલવાદી સંગઠનની વર્તમાન સ્થિતિ અંગે ભૂપતિએ ગંભીર ચિત્ર રજૂ કર્યું છે. તેમણે કહ્યું કે હવે ખૂબ જ ઓછા કાર્યકરો બાકી છે અને ઘણા રાજ્યો હવે નક્સલ મુક્ત થઈ રહ્યા છે. જોકે, વિચારધારાને વરેલા જૂના કાર્યકરોને સમજાવવા મુશ્કેલ છે, પરંતુ તેઓ તમામ શરણાગતિ પામેલા સાથીઓને શિસ્તબદ્ધ અને પ્રામાણિક જીવન જીવવા વિનંતી કરી રહ્યા છે. તેમણે કબૂલ્યું કે નોટબંધીને કારણે માઓવાદી નેટવર્કને મોટો આર્થિક ફટકો પડ્યો હતો અને કરોડો રૂપિયાનો વ્યવહાર અટકી ગયો હતો.
રસપ્રદ વાત એ છે કે, ભૂપતિએ ક્યારેય રાજકારણ છોડ્યું નથી. તેઓ હવે ભારતીય બંધારણની મર્યાદામાં રહીને લોકોના પ્રશ્નો ઉઠાવવા માંગે છે. જ્યારે તેમને ચૂંટણી લડવા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે રમૂજમાં કહ્યું કે, "આ દેશમાં ચૂંટણી લડવા માટે અદાણી અને અંબાણીના સમર્થનની જરૂર પડે છે." હાલમાં તેઓ મહારાષ્ટ્રમાં જ રહીને લોકશાહી માધ્યમો દ્વારા જનસેવા ચાલુ રાખવાનો ઈરાદો ધરાવે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
