<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st February 2026

ટ્રમ્પના ‘ટેરિફ ટેન્શન’માં નવો વળાંક: સુપ્રીમ કોર્ટના ઝટકા પછી પણ ટ્રમ્પ સરકાર ઝૂકવા તૈયાર નથી, હવે ‘પ્લાન-B’ દ્વારા વિશ્વ પર ટેરિફ લાદવાની તૈયારી!

IEEPA પર સુપ્રીમની રોક છતાં અમેરિકી ટ્રેઝરી સેક્રેટરીનો હુંકાર- “આવકમાં એક રૂપિયાનો પણ ફેરફાર નહીં થાય”; હવે કલમ ૨૩૨ અને ૩૦૧ ના બ્રહ્માસ્ત્ર દ્વારા નિકાસકારોને ઘેરશે વ્હાઇટ હાઉસ

વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ આદેશો પર યુએસ સુપ્રીમ કોર્ટે બ્રેક લગાવીને વહીવટીતંત્રને મોટો કાનૂની ફટકો આપ્યો છે. જોકે, ટ્રમ્પ પ્રશાસને સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ હાર માનવાના મૂડમાં નથી. અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે ડલ્લાસમાં એક કાર્યક્રમ દરમિયાન ગર્જના કરી છે કે કોર્ટે ફક્ત એક કાયદાનો રસ્તો રોક્યો છે, અમારી ટેરિફ નીતિને નહીં!
શું હતો સુપ્રીમ કોર્ટનો ૬-૩ નો ચુકાદો?
યુએસ સુપ્રીમ કોર્ટે ૬ વિરુદ્ધ ૩ ના મતોથી ઐતિહાસિક ચુકાદો આપતા કહ્યું કે, ટ્રમ્પ વહીવટીતંત્રે ૧૯૭૭ ના 'ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ' (IEEPA) નો ખોટો ઉપયોગ કરીને ટેરિફ લાદ્યા છે. કોર્ટના મતે, આટલા મોટા પાયે આયાત ટેરિફ લાદવાની સત્તા માત્ર અમેરિકી કોંગ્રેસ (સંસદ) પાસે છે, રાષ્ટ્રપતિ પાસે નહીં.
પ્લાન-B: હવે નવા કાયદાકીય હથિયારોનો ઉપયોગ
સુપ્રીમ કોર્ટના આંચકા બાદ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે વ્હાઇટ હાઉસનો નવો અભિગમ જાહેર કર્યો છે. તેમણે કહ્યું:
•    વૈકલ્પિક સત્તા: હવે સરકાર ૧૯૬૨ ના વેપાર કાયદાની કલમ ૨૩૨ અને કલમ ૩૦૧ નો ઉપયોગ કરશે. આ કાયદાઓને હજારો કાનૂની કેસોમાં સમર્થન મળેલું છે અને તે રાષ્ટ્રીય સુરક્ષાના આધારે ટેરિફ લાદવાની મંજૂરી આપે છે.
•    આવક પર અસર નહીં: બેસન્ટે દાવો કર્યો છે કે કાયદો બદલાશે પણ ટેરિફથી થનારી ૨૦૨૬ ની આવકમાં "લગભગ કોઈ ફેરફાર" નહીં થાય.
ટ્રમ્પની તાત્કાલિક જાહેરાત: ૧૦% વૈશ્વિક ટેરિફ
ચુકાદા બાદ તરત જ ડોનાલ્ડ ટ્રમ્પે આક્રમક વલણ અપનાવતા ૧૦% વૈશ્વિક ટેરિફ લાદવાની નવી જાહેરાત કરી છે. હવે તેઓ ૧૯૭૪ ના વેપાર કાયદાની કલમ ૧૨૨ હેઠળ એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરશે. આ જોગવાઈ સરકારને ૧૫૦ દિવસ માટે ૧૫% સુધીનો કામચલાઉ આયાત સરચાર્જ લાદવાની છૂટ આપે છે.
IEEPA શું છે અને કેમ સર્જાયો વિવાદ?
૧૯૭૭ માં બનેલો IEEPA કાયદો રાષ્ટ્રપતિને ‘રાષ્ટ્રીય કટોકટી’ માં વિદેશી સંપત્તિઓ સ્થિર કરવા કે પ્રતિબંધ મૂકવાની સત્તા આપે છે. ઇતિહાસમાં અત્યાર સુધી ૭૭ વખત તેનો ઉપયોગ થયો છે (જેમ કે ૧૯૭૯ માં ઇરાન સામે). પરંતુ ટ્રમ્પ સરકારે તેનો ઉપયોગ આવક પેદા કરવા માટે ટેરિફ લાદવા માટે કર્યો, જેની સામે સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે.
અમેરિકાના આ 'ટેરિફ વોર' ને કારણે હવે ભારત સહિત વિશ્વભરના દેશોની નજર ટ્રમ્પ સરકારના આગામી કાનૂની દાવપેચ પર ટકેલી છે.

(11:30 PM IST)