હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમદાવાદમાં ટ્રાફિકના 'કાળ' જેવી સમસ્યાનો અંત: 2030 સુધીમાં ખાનગી લક્ઝરી અને ST બસોના શહેરમાં પ્રવેશ પર લાગશે બ્રેક
કોમનવેલ્થ ગેમ્સ પૂર્વે મેગા સિટીનો મેગા પ્લાન: હાઈવે પર જ બસો થંભી જશે, મુસાફરોએ મેટ્રો અને BRTSનો લેવો પડશે સહારો – મંત્રી દર્શનાબેન વાઘેલાએ પબ્લિક ટ્રાન્સપોર્ટ અપનાવવા શહેરીજનોને કરી ખાસ અપીલ

અમદાવાદ:વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદ અત્યારથી જ વિશ્વસ્તરીય તૈયારીઓમાં જોતરાઈ ગયું છે. ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરને ટ્રાફિક મુક્ત બનાવવા માટે એક ક્રાંતિકારી નિર્ણય લેવાની દિશામાં કામ શરૂ કરવામાં આવ્યું છે. 'AmdavadNXT' એક્ઝિબિશનના ઉદ્ઘાટન પ્રસંગે શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલાએ મોટી જાહેરાત કરતા જણાવ્યું કે, આગામી વર્ષોમાં બહારથી આવતી તમામ લક્ઝરી બસો અને એસ.ટી. (ST) નિગમની બસોને શહેરની અંદર પ્રવેશવા દેવામાં આવશે નહીં. આ બસોને હાઈવે પર જ રોકી દેવામાં આવશે અને ત્યાંથી મુસાફરોએ શહેરના આંતરિક ભાગોમાં પહોંચવા માટે મેટ્રો, AMTS કે BRTS જેવી જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ કરવો પડશે.
આ આયોજન પાછળનો મુખ્ય હેતુ શહેરના મુખ્ય માર્ગો પર થતા ટ્રાફિકના ભારણને ઘટાડવાનો અને પ્રદૂષણ પર લગામ લગાવવાનો છે. મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, જો આપણે અમદાવાદને વિશ્વના નકશા પર ચમકાવવું હોય, તો લંડન અને પેરિસ જેવા મેટ્રો શહેરોની માફક પબ્લિક ટ્રાન્સપોર્ટ સંસ્કૃતિને વિકસાવવી પડશે. એક જ પરિવારના ચાર સભ્યો અલગ-અલગ વાહનો લઈને નીકળે તેના બદલે જાહેર પરિવહનનો ઉપયોગ કરે તે સમયની માંગ છે. સરકારના આ પ્લાન મુજબ, હાઈવે પર મોટા ટર્મિનલ બનાવવામાં આવશે જ્યાંથી મુસાફરોને સીધી મેટ્રો કે લોકલ બસની કનેક્ટિવિટી મળી રહેશે.
આ મેગા પ્રોજેક્ટ દ્વારા અમદાવાદના રસ્તાઓને વધુ ખુલ્લા અને સુરક્ષિત બનાવવાની નેમ છે. કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન જ્યારે વિદેશી મહેમાનો અમદાવાદની મુલાકાતે આવશે, ત્યારે તેમને ટ્રાફિકની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે અત્યારથી જ માળખાગત સુવિધાઓમાં ધરખમ ફેરફારો કરવામાં આવી રહ્યા છે. મંત્રીએ શહેરીજનોને આ અભિયાનમાં સહકાર આપવા વિનંતી કરી છે, જેથી અમદાવાદ માત્ર સ્માર્ટ સિટી જ નહીં પરંતુ 'ટ્રાફિક ફ્રી સિટી' તરીકે પણ ઓળખાય.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
