News of Saturday, 21st February 2026
રાજૌરીના અભેદ્ય જંગલોમાં ભારતીય સેનાનો સર્જિકલ સ્ટ્રાઈક જેવો સપાટો: આતંકીઓના ગુપ્ત ઠેકાણાનો પર્દાફાશ
હાદી બુઢાના પહાડી વિસ્તારોમાં સેનાનું મેગા સર્ચ ઓપરેશન: પિસ્તોલ, મેગેઝિન અને લોજિસ્ટિક્સનો જથ્થો ઝડપાયો, પહાડોની ગુફાઓમાં છુપાયેલા આતંકી મનસૂબા પર સુરક્ષા દળોએ ફેરવ્યું પાણી

રાજૌરી:જમ્મુ અને કાશ્મીરના પૂંછ અને રાજૌરી જિલ્લાના સરહદી વિસ્તારોમાં આતંક વિરોધી અભિયાન તેજ બનાવતા ભારતીય સેનાએ વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. અત્યંત વિશ્વસનીય ગુપ્ત માહિતીના આધારે, સુરક્ષા દળોએ પૂંછના દુર્ગમ ગણાતા હાદી બુઢા વિસ્તારને ઘેરી લઈને ઓપરેશન શરૂ કર્યું હતું. આ વિસ્તાર તેના ગાઢ જંગલો અને કુદરતી ગુફાઓ માટે જાણીતો છે, જેનો આતંકીઓ વારંવાર આશ્રયસ્થાન તરીકે ઉપયોગ કરતા હોય છે. સેનાના જવાનોએ પહાડો અને ખડકાળ ઢોળાવ પર જીવના જોખમે તપાસ હાથ ધરી આતંકીઓના એક ગુપ્ત ઠેકાણાને શોધી કાઢી તેનો નાશ કર્યો છે.
આ સર્ચ ઓપરેશન દરમિયાન સૈનિકોને એક કુદરતી ગુફા જેવી રચનામાંથી ચોંકાવનારો જથ્થો મળી આવ્યો છે. જેમાં એક અત્યાધુનિક પિસ્તોલ, બે લોડેડ મેગેઝિન ઉપરાંત કપડાં, ખાદ્ય સામગ્રી અને અન્ય લોજિસ્ટિક્સ વસ્તુઓનો સમાવેશ થાય છે. આ જપ્તી સાબિત કરે છે કે આતંકીઓ આ વિસ્તારમાં લાંબો સમય રોકાવાની અને કોઈ મોટી હિંસક ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા. જોકે, સેનાની તકેદારીએ તેમના નાપાક ઈરાદાઓને નેસ્તનાબૂદ કરી દીધા છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભલે હાલમાં કોઈ આતંકી પકડાયો નથી, પરંતુ આ ઓપરેશનથી આતંકી નેટવર્કની કમર તૂટી ગઈ છે. પહાડી વિસ્તારોમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે અને ડ્રોન દ્વારા પણ દેખરેખ રાખવામાં આવી રહી છે. સુરક્ષા દળોએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી સરહદની અંદર છુપાયેલા છેલ્લા આતંકીનો સફાયો નહીં થાય ત્યાં સુધી આ ઓપરેશન અટકશે નહીં.
(11:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
