News of Sunday, 22nd February 2026
ટ્રમ્પનો ‘એટેક’ પ્લાન અને ઈરાનનો ‘યુદ્ધ’ હુંકાર: પરમાણુ કરાર પર દુનિયાના બે શક્તિશાળી નેતાઓ વચ્ચે આરપારની જંગ
રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિઆનની ખુલ્લી ચેતવણી- “ગમે તેટલું દબાણ કરો, ઈરાન નહીં નમે”: અમેરિકી દળો તેહરાન પર ત્રાટકવા તૈયાર હોવાના અહેવાલો વચ્ચે ટ્રમ્પે મર્યાદિત હુમલાના આપ્યા સંકેત – શાંતિ કે સંઘર્ષ? હવે માત્ર ગણતરીના દિવસોમાં આવશે ફેંસલો

તેહરાન: પશ્ચિમ એશિયામાં ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરાયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સીધી સૈન્ય કાર્યવાહીની ધમકીઓ વચ્ચે ઈરાને અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. શનિવારે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિઆને સરકારી ટીવી પર રાષ્ટ્રને સંબોધતા સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, ઈરાન કોઈ પણ કિંમતે અમેરિકા કે કોઈ આંતરરાષ્ટ્રીય શક્તિ સામે ઝૂકશે નહીં. પેઝેશ્કિઆને જણાવ્યું કે, "વિશ્વની શક્તિઓ આપણને ઘૂંટણિયે લાવવા માંગે છે, પરંતુ તેઓ ગમે તેવી મુશ્કેલીઓ ઊભી કરે, અમે અમારા હિતો સાથે કોઈ બાંધછોડ કરીશું નહીં."
બીજી તરફ, વોશિંગ્ટનથી મળતા અહેવાલો અનુસાર, રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેહરાન પર 'લિમિટેડ સ્ટ્રાઈક' એટલે કે મર્યાદિત લશ્કરી કાર્યવાહી કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. અમેરિકી દળો આ સપ્તાહના અંત સુધીમાં કોઈ પણ ક્ષણે તેહરાન પર હુમલો કરવા માટે સજ્જ છે અને માત્ર વ્હાઇટ હાઉસના અંતિમ આદેશની રાહ જોઈ રહ્યા છે. ટ્રમ્પે ઈરાનને તેના પરમાણુ કાર્યક્રમને રોકવા માટે પહેલા ૧૦ દિવસ અને બાદમાં તેને લંબાવીને ૧૫ દિવસની ડેડલાઈન આપી છે. ટ્રમ્પના મતે, જો ઈરાન નિર્ધારિત સમયમાં કરાર પર સહી નહીં કરે, તો અમેરિકા લશ્કરી તાકાત બતાવતા અચકાશે નહીં.
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ પણ વળતો જવાબ આપતા કહ્યું છે કે, "અમે યુદ્ધ માટે પણ તૈયાર છીએ અને શાંતિ માટે પણ." તેમણે ખુલાસો કર્યો કે ઈરાન આગામી બે-ત્રણ દિવસમાં એક ડ્રાફ્ટ ડીલ ફાઈનલ કરીને વોશિંગ્ટન મોકલશે. જોકે, જીનીવામાં થયેલી પરોક્ષ વાટાઘાટોમાં કોઈ ખાસ પ્રગતિ થઈ નથી, જેના કારણે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. જો ઈરાનનો આ પ્રસ્તાવ અમેરિકાને મંજૂર નહીં હોય, તો ૨૦૨૬ના પ્રારંભે જ દુનિયાએ એક ભયાનક યુદ્ધનો સાક્ષી બનવું પડી શકે છે.
(12:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
