News of Saturday, 21st February 2026
પોલીસનો 'ચોકલેટ ડે' માસ્ટરસ્ટ્રોક! સ્નેચરોને પકડવા બ્લિંકિટ બની ગયું હથિયાર : દિલ્હી પોલીસે ગિફ્ટ ઓર્ડર કરી ગેંગને જેલમાં ધકેલી
વેલેન્ટાઇન વીકની મજા સ્નેચરોને પડી ભારે : આઈફોન છીનવીને ભાગતા બદમાશોને પકડવા પોલીસે રચી અનોખી જાળ : બ્લિંકિટના ડિલિવરી બોયનો પીછો કરી વઝીરાબાદના અડ્ડા પર ત્રાટકી ટીમ : ૩ આરોપીઓ સાથે ચોરાયેલું સ્કૂટર અને મોબાઈલ જપ્ત.

નવી દિલ્હી: દિલ્હી પોલીસના ડીબીજી રોડ સ્ટેશનની ટીમે એક એવો કિસ્સો ઉકેલ્યો છે જે કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી ઓછો નથી. સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટના અમરાલી ગેટ પાસે કેબની રાહ જોતી યુવતીનો આઈફોન છીનવીને ભાગેલા બદમાશોને પકડવા માટે પોલીસે 'ચોકલેટ ડે'નો સહારો લીધો હતો. સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી પોલીસને આરોપી મોહમ્મદ નમીરનો મોબાઈલ નંબર હાથ લાગ્યો હતો, પરંતુ તેનું સચોટ લોકેશન મેળવવું મુશ્કેલ હતું. આથી પોલીસે વેલેન્ટાઇન વીકનો ફાયદો ઉઠાવી, એક છોકરાના નામે નમીરના નંબર પરથી બ્લિંકિટ (Blinkit) એપ્લિકેશન દ્વારા ચોકલેટનો ઓર્ડર આપ્યો હતો.
જેવો બ્લિંકિટના ડિલિવરી પાર્ટનરે ઓર્ડર પહોંચાડવા માટે મુસાફરી શરૂ કરી, સાદા ગણવેશમાં સજ્જ પોલીસની ટીમ ગુપ્ત રીતે તેની પાછળ લાગી ગઈ હતી. ડિલિવરી બોય જેવો વઝીરાબાદના એક ચોક્કસ મકાન પાસે પહોંચ્યો, પોલીસે તરત જ ઘેરાબંધી કરીને મોહમ્મદ નમીરને દબોચી લીધો હતો. તેની આકરી પૂછપરછમાં તેના સાથીદાર મોહમ્મદ ફૈઝાનનું નામ ખુલ્યું હતું. આ બંને સ્નેચરોએ કબૂલાત કરી હતી કે તેઓ સદર બજારમાંથી ચોરેલા એક્ટિવા સ્કૂટરનો ઉપયોગ કરીને નિર્જન વિસ્તારોમાં રાહદારીઓને નિશાન બનાવતા હતા.
તપાસના ત્રીજા તબક્કે પોલીસે મોહમ્મદ સમીર નામના વચેટિયાની પણ બુરારી વિસ્તારમાંથી ધરપકડ કરી છે, જે ચોરાયેલા મોબાઈલ વેચવાનું કામ કરતો હતો. ડેપ્યુટી કમિશનર અનંત મિત્તલે જણાવ્યું કે ટેકનોલોજી અને સમયસૂચકતાના કારણે આ ગેંગનો પર્દાફાશ થયો છે. પોલીસે તેમની પાસેથી ત્રણ મોંઘા મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલું સ્કૂટર જપ્ત કર્યું છે. ડિજિટલ યુગમાં ગુનેગારોને પકડવા માટે પોલીસે જે રીતે ક્વિક-કોમર્સ એપનો ઉપયોગ કર્યો, તેની અત્યારે સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચાઓ થઈ રહી છે.
(9:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
