News of Saturday, 21st February 2026
મધ્યપ્રદેશમાં દારૂના શોખીનોને ઝટકો: રાજ્યમાં હવે એક પણ નવી દુકાન નહીં ખુલે, જૂની દુકાનો માટે પણ કડક નિયમો સાથેની નવી આબકારી નીતિ જાહેર
મુખ્યમંત્રી મોહન યાદવની કેબિનેટનો મોટો નિર્ણય: નર્મદા કિનારે પ્રતિબંધ યથાવત, વિદેશી દારૂ પર બોટલિંગ ફી બમણી કરાઈ અને આદિવાસીઓના 'મહુઆ'ને આંતરરાજ્ય બજારમાં મળી મોટી છૂટછાટ

ભોપાલ:
મધ્યપ્રદેશ સરકારે વર્ષ 2026-27 માટેની પોતાની નવી આબકારી નીતિને મંજૂરી આપીને રાજ્યમાં દારૂના વેચાણ અને વિતરણ પર સકંજો કસ્યો છે. મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા આ નિર્ણયોમાં સૌથી મહત્વની વાત એ છે કે હવે રાજ્યમાં દારૂની કોઈ નવી દુકાન ખોલવામાં આવશે નહીં. જે દુકાનો અગાઉના નિયમો હેઠળ બંધ કરવામાં આવી હતી, તે કાયમી ધોરણે બંધ જ રહેશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે દારૂના વેપારમાં પારદર્શિતા લાવવા માટે હવે જૂની લાઇસન્સ રિન્યુઅલ સિસ્ટમ બંધ કરીને તમામ 3,553 દુકાનોની ફાળવણી ઇ-ટેન્ડરિંગ અને ઇ-ઓક્શન દ્વારા કરવામાં આવશે. આ પ્રક્રિયાને વધુ સ્પર્ધાત્મક બનાવવા માટે અનામત કિંમતમાં 20 ટકાનો ધરખમ વધારો પણ કરવામાં આવ્યો છે.
આ નવી નીતિમાં ધાર્મિક અને પર્યાવરણીય પાસાઓનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. પવિત્ર નર્મદા નદીના કિનારે 5 કિલોમીટરની ત્રિજ્યામાં દારૂ વેચવા પરનો પ્રતિબંધ કડકાઈથી ચાલુ રહેશે. આ ઉપરાંત, પવિત્ર શહેરોમાં મંદિરોની આસપાસ દારૂની દુકાનો ખોલવા પર પણ રોક લગાવવામાં આવી છે. સૌથી મોટી રાહત સામાન્ય જનતા માટે એ છે કે હવે કોઈપણ દારૂની દુકાનના પરિસરમાં દારૂ પીવાની સુવિધા (અહાતા) ખોલવા દેવામાં આવશે નહીં, જે અગાઉની જેમ જ બંધ રહેશે.
આર્થિક મોરચે જોઈએ તો, વિદેશી દારૂના શોખીનો માટે ખિસ્સું હળવું કરવું પડશે કારણ કે સરકારે બોટલિંગ ફીમાં સીધો 100 ટકાનો વધારો કર્યો છે. સ્પિરિટ પરની ફી 6 રૂપિયાથી વધારીને 12 રૂપિયા અને બીયર પર 3 રૂપિયાથી વધારીને 6 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે. જોકે, આદિવાસી સમુદાય માટે આ નીતિ આશાનું કિરણ લાવી છે. આદિવાસી સ્વ-સહાય જૂથો દ્વારા બનાવવામાં આવતા 'મહુઆ' દારૂને અન્ય રાજ્યોમાં ડ્યુટી ફ્રી નિકાસ કરવાની મંજૂરી અપાઈ છે, જેનાથી સ્થાનિક રોજગારી અને આવકમાં મોટો ઉછાળો આવવાની શક્યતા છે.
(11:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
