News of Saturday, 21st February 2026
શ્રીલંકામાં ‘નેતાજી’ના પેન્શન પર વાગી ગઈ કાતર: સંસદસભ્યોના આજીવન પેન્શન રદ કરતો ઐતિહાસિક કાયદો અમલી, રાષ્ટ્રપતિ દિસાનાયકેએ ચૂંટણી વચન પાળીને રચ્યો ઈતિહાસ
હવે જનતાના ટેક્સના પૈસા નેતાઓની સુખ-સાહેબીમાં નહીં વપરાય: ૧૯૭૭નો જૂનો કાયદો રદ, ૧૫૪ મતોની પ્રચંડ બહુમતી સાથે બિલ પાસ; બચેલા નાણાં હવે જાહેર સેવાઓમાં ખર્ચાશે

કોલંબો: શ્રીલંકાની નવી સરકારે દેશની આર્થિક સ્થિતિ સુધારવા અને રાજકીય વિશેષાધિકારો ખતમ કરવા માટે એક મોટો અને સાહસિક નિર્ણય લીધો છે. રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેની સરકારે સંસદસભ્યોને મળતા આજીવન પેન્શનને સત્તાવાર રીતે રદ કરી દીધું છે. શુક્રવારે આ અંગેનું ગેઝેટ જારી કરવામાં આવતાની સાથે જ હવે પૂર્વ નેતાઓને મળતી આ આર્થિક સુવિધાનો અંત આવ્યો છે.
ઐતિહાસિક જીત: ૧૫૪ વિરુદ્ધ માત્ર ૨ મત
શ્રીલંકાની સંસદમાં જ્યારે આ બિલ રજૂ કરવામાં આવ્યું ત્યારે તેને જબ્બર સમર્થન મળ્યું હતું. ૨૨૫ સભ્યોના ગૃહમાં ૧૫૪ ધારાસભ્યોએ આ બિલની તરફેણમાં મતદાન કર્યું હતું, જ્યારે આશ્ચર્યજનક રીતે માત્ર ૨ સભ્યોએ જ તેનો વિરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે પણ અગાઉ લીલી ઝંડી આપી દીધી હતી કે આ બિલ સરળ બહુમતીથી પસાર કરી શકાય છે.
શું હતો ૧૯૭૭નો કાયદો?
શ્રીલંકામાં અત્યાર સુધી ૧૯૭૭ના પેન્શન કાયદા મુજબ, કોઈ પણ વ્યક્તિ માત્ર ૫ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરે તો તે આજીવન પેન્શન મેળવવા માટે હકદાર બનતી હતી. આ એક 'બિન-ફાળો આપનાર' (Non-contributory) પેન્શન હતું, એટલે કે નેતાઓએ પોતાના પગારમાંથી કોઈ ફાળો આપવો પડતો નહોતો, સીધા જનતાના પૈસા જ તેમને મળતા હતા. NPP સરકારે તેને "અન્યાયી રાજકીય લાભ" ગણાવીને રદ કરવાનું વચન આપ્યું હતું.
ભૂતપૂર્વ સંસદસભ્યોમાં રોષ, જનતામાં ખુશી
આ નિર્ણયથી પૂર્વ નેતાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ઘણા પૂર્વ ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, પરંતુ કોર્ટે સરકારના આ નિર્ણયને ગેરકાયદેસર ઠેરવવાનો ઇનકાર કરી દીધો હતો. બીજી તરફ, સામાન્ય જનતા આ નિર્ણયને આવકારી રહી છે કારણ કે શ્રીલંકા અત્યારે આર્થિક કટોકટીમાંથી બહાર આવવા મથામણ કરી રહ્યું છે.
બચતનો ઉપયોગ ક્યાં થશે?
સરકારે સ્પષ્ટ કર્યું છે કે નેતાઓના પેન્શન બંધ થવાથી જે કરોડો રૂપિયાની બચત થશે, તેનો ઉપયોગ શિક્ષણ, આરોગ્ય અને અન્ય આવશ્યક જાહેર સેવાઓના ભંડોળ માટે કરવામાં આવશે. આ પગલું શ્રીલંકાના રાજકારણમાં "વીઆઈપી કલ્ચર" ના અંતની શરૂઆત તરીકે જોવામાં આવે છે.
ગેઝેટ જારી થયાની સાથે જ આ કાયદો કાયમી બની ગયો છે અને હવેથી કોઈ પણ પૂર્વ કે વર્તમાન સાંસદને પેન્શનનો લાભ મળશે નહીં.
(11:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
