News of Sunday, 22nd February 2026
સરહદે સંગ્રામ: પાકિસ્તાનની એરસ્ટ્રાઈકથી અફઘાનિસ્તાન ધ્રૂજ્યું, તાલિબાનની વળતા પ્રહારની ગર્જના
પાક. વાયુસેનાના બોમ્બમારોમાં નિર્દોષ પરિવારો હોમાયા; ઈસ્લામાબાદ અને કાબુલ વચ્ચે યુદ્ધના ભણકારા

કાબુલ/ઈસ્લામાબાદ: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધો હવે માત્ર તણાવપૂર્ણ જ નહીં, પરંતુ વિસ્ફોટક સ્થિતિમાં પહોંચી ગયા છે. શનિવાર અને રવિવારની મધ્યરાત્રિએ જ્યારે દુનિયા સૂતી હતી, ત્યારે પાકિસ્તાની ફાઇટર જેટ્સે આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગી અફઘાનિસ્તાનના આકાશમાં એરસ્ટ્રાઈક કરીને ભયાનક તબાહી મચાવી છે. આ હુમલાએ દાયકાઓ જૂના સરહદી વિવાદમાં ઘી હોમવાનું કામ કર્યું છે, જેના કારણે હવે દક્ષિણ એશિયામાં ફરી એકવાર યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે.
પાકિસ્તાન સરકારના મંત્રી અતાઉલ્લાહ તરારે આ ઓપરેશનને 'આતંકવાદ વિરોધી' ગણાવતા દાવો કર્યો છે કે, ઈસ્લામાબાદની મસ્જિદમાં થયેલા આત્મઘાતી હુમલાનો બદલો લેવા માટે TTP અને ISના સાત અડ્ડાઓને ફૂંકી મારવામાં આવ્યા છે. જોકે, આ દાવાની બીજી બાજુ અત્યંત હૃદયદ્રાવક છે. અફઘાનિસ્તાનના પક્તિકા અને નંગરહાર પ્રાંતમાંથી આવતા દ્રશ્યો ચીસો પાડીને કહી રહ્યા છે કે નિશાન આતંકીઓ નહીં પણ માસૂમ નાગરિકો હતા. નંગરહારમાં એક જ ઘર પર પડેલા બોમ્બે આખા વંશનો નાશ કરી નાખ્યો છે—80 વર્ષના વડીલથી લઈને એક વર્ષના માસૂમ બાળક સુધીના પરિવારના 19 સભ્યો હવે કાટમાળ નીચે દફન થઈ ગયા છે.
આ લોહીયાળ એરસ્ટ્રાઈક બાદ તાલિબાન શાસન લાલઘૂમ છે. તાલિબાની પ્રવક્તાએ આકરા શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું છે કે, "પાકિસ્તાને અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વ પર હુમલો કરીને સિંહને છંછેડ્યો છે, જેનો બદલો ખૂબ જ જલ્દી અને ભયાનક રીતે લેવામાં આવશે." હાલ સરહદ પર બંને દેશોની સેનાઓ આમને-સામને ગોઠવાઈ ગઈ છે અને ભારે હથિયારોનો જમાવડો શરૂ થયો છે. જો સ્થિતિ વણસશે તો આગામી દિવસોમાં આ સંઘર્ષ આખા વિસ્તારની શાંતિ હણી શકે છે.
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
