<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd February 2026

વિશ્વવિનાશની દસ્તક: અમેરિકા-ઈરાન યુદ્ધ ફાટી નીકળશે તો દુનિયામાં સર્જાશે આ 6 મહાઆફતો

હોર્મુઝની સામુદ્રધુનીમાં ઉર્જાનું સંકટ અને વૈશ્વિક અર્થતંત્રના પતનનો મંડાઈ રહ્યો છે ખતરનાક ખેલ

વોશિંગ્ટન/તેહરાન: અમેરિકા અને ઈરાન વચ્ચે અત્યારે 'કાઉન્ટડાઉન' શરૂ થઈ ગયું હોય તેવી સ્થિતિ છે. વોશિંગ્ટન દ્વારા આપવામાં આવેલી 10 દિવસની અલ્ટીમેટમની અવધિ જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ આખું વિશ્વ શ્વાસ રોકીને બેઠું છે. જો આ બંને દિગ્ગજ દેશો વચ્ચે સૈન્ય સંઘર્ષ શરૂ થશે, તો તે માત્ર બે દેશો પૂરતો મર્યાદિત નહીં રહે, પરંતુ તેની ઝપેટમાં આખી દુનિયા આવી જશે. રણનીતિકારો માને છે કે આ યુદ્ધ માનવજાત માટે આધુનિક ઇતિહાસની સૌથી મોટી આર્થિક અને સામાજિક આફત સાબિત થઈ શકે છે.

સૌથી મોટો ફટકો વૈશ્વિક 'એનર્જી સપ્લાય' પર પડશે. ઈરાન પાસે દુનિયાનો સૌથી વ્યૂહાત્મક તેલમાર્ગ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' છે. જો ઈરાન આ માર્ગ બંધ કરે, તો વિશ્વનો 25% તેલ પુરવઠો અને 20% ગેસ રાતોરાત અટકી જશે. પરિણામે પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચશે અને ભારત જેવા આયાત નિર્ભર દેશોમાં મોંઘવારીનો એવો વિસ્ફોટ થશે કે સામાન્ય માણસનું જીવવું દુષ્કર બની જશે. પરિવહન ખર્ચ વધતા દરેક નાની-મોટી ચીજવસ્તુઓ મોંઘીદાટ થઈ જશે, જે વૈશ્વિક મંદીને આમંત્રણ આપશે.

માત્ર આર્થિક જ નહીં, પરંતુ માનવીય દ્રષ્ટિકોણથી પણ આ યુદ્ધ ભયાનક હશે. મધ્ય-પૂર્વના દેશો જેવા કે ઈરાક, સીરિયા અને લેબેનોન યુદ્ધના મેદાનમાં ફેરવાઈ જશે. લાખો લોકો ઘરબાર છોડીને શરણાર્થી બનવા મજબૂર થશે, જેનાથી યુરોપ અને એશિયાના અન્ય દેશો પર સામાજિક દબાણ વધશે. શેરબજારમાં કડાકા અને બેંકોની નાદારીના કારણે કરોડો લોકોની નોકરીઓ પર જોખમ ઉભું થશે. ટૂંકમાં, આ યુદ્ધ રણમેદાનમાં ભલે લડાશે, પણ તેની કિંમત દુનિયાનો દરેક નાગરિક ચૂકવશે.

 

(10:51 AM IST)