<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd February 2026

ચંદ્રમાં પડી હજારો તિરાડો: બ્રહ્માંડનો આ 'સફેદ ગોળો' ધીમે-ધીમે સંકોચાઈ રહ્યો છે, નાસાએ આપી ચેતવણી

કરોડો વર્ષોથી ઠંડો પડી રહેલો ચંદ્ર હવે કિસમિસની જેમ સુકાઈ રહ્યો છે; દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ કરવું બનશે જોખમી

વોશિંગ્ટન/નવી દિલ્હી: અત્યાર સુધી આપણે ચંદ્રને શાંત અને શીતળ માનતા હતા, પરંતુ નાસાના તાજેતરના સંશોધનોએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પૃથ્વીનો આ એકમાત્ર કુદરતી ઉપગ્રહ હવે ધીમે-ધીમે નાનો થઈ રહ્યો છે. વૈજ્ઞાનિકોના મતે, છેલ્લા કેટલાક કરોડ વર્ષોમાં ચંદ્રની પરિધિમાં અંદાજે 150 થી 200 ફૂટનો ઘટાડો થયો છે. જેમ દ્રાક્ષ સુકાઈને કિસમિસ બને ત્યારે તેની સપાટી પર કરચલીઓ પડે છે, બરાબર તેમ જ ચંદ્રનો આંતરિક ભાગ ઠંડો પડવાને કારણે તેની ઉપરની સપાટી સંકોચાઈ રહી છે અને ત્યાં હજારો ભયાનક તિરાડો પડી રહી છે.

નાસાના લુનર રિકોનિસન્સ ઓર્બિટર (LRO) દ્વારા મળેલા ડેટા મુજબ, ચંદ્રની સપાટી પર 1000થી વધુ 'થ્રસ્ટ ફોલ્ટ્સ' એટલે કે મોટી તિરાડો જોવા મળી છે. આ તિરાડો માત્ર દેખાવ પૂરતી નથી, પરંતુ તે ચંદ્ર પર આવતા 'મૂનક્વેક્સ' (ચંદ્રકંપ) માટે જવાબદાર છે. પૃથ્વી પર ભૂકંપ થોડી સેકન્ડો માટે આવે છે, પરંતુ ચંદ્ર પર આવતા આ આંચકા કલાકો સુધી સપાટીને હચમચાવી શકે છે. એપોલો મિશન દરમિયાન મૂકવામાં આવેલા સિસ્મોમીટર્સે પણ આ મજબૂત આંચકાઓ નોંધ્યા હતા, જે સાબિત કરે છે કે ચંદ્ર ભૌગોલિક રીતે હજુ પણ સક્રિય છે.

સૌથી વધુ ચિંતાની વાત એ છે કે આમાંની ઘણી તિરાડો ચંદ્રના દક્ષિણ ધ્રુવ (South Pole) વિસ્તારમાં જોવા મળી છે. આ એ જ વિસ્તાર છે જ્યાં ભારતનું ચંદ્રયાન-3 લેન્ડ થયું હતું અને જ્યાં નાસા ભવિષ્યમાં પોતાના અવકાશયાત્રીઓને મોકલવાની તૈયારી કરી રહ્યું છે. જો લેન્ડિંગ સાઇટની આસપાસ આવી તિરાડો હોય અથવા લેન્ડિંગ દરમિયાન મૂનક્વેક આવે, તો આખું મિશન જોખમમાં મુકાઈ શકે છે. ચંદ્રનું આ સંકોચન ભલે ધીમું હોય, પણ તે ભવિષ્યના માનવ મિશનો માટે એક મોટો પડકાર બનીને ઉભું રહ્યું છે.

(11:03 AM IST)