<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd February 2026

બુલિયન માર્કેટમાં ભડકો: સોનું ઓલ ટાઈમ હાઈથી રૂ.36,000 ગગડ્યું, ચાંદીમાં પણ રૂ.1.67 લાખનો જંગી ઘટાડો

વૈશ્વિક બજારની અસરથી કિંમતી ધાતુઓના ભાવમાં મોટી ઊથલપાથલ; રોકાણકારો માટે સોનું-ચાંદી ખરીદવાની સોનેરી તક

અમદાવાદ/મુંબઈ: વૈશ્વિક આર્થિક અસ્થિરતા અને બદલાતા બજારના સમીકરણો વચ્ચે ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીની કિંમતોમાં ઐતિહાસિક ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં ભલે કિંમતોમાં થોડી રિકવરી આવી હોય, પરંતુ તે હજુ પણ તેના સર્વોચ્ચ શિખર (Life-time High) થી ઘણી નીચી સપાટીએ ટ્રેડ કરી રહી છે. ખાસ કરીને ચાંદીમાં જોવા મળેલા જંગી ઘટાડાએ રોકાણકારો અને ગ્રાહકોને અચરજમાં મૂકી દીધા છે. રેકોર્ડ બ્રેક તેજી બાદ હવે બજારમાં મોટા કડાકા સાથે ખરીદીનો માહોલ જામી રહ્યો છે.
MCX પરના ડેટા અનુસાર, 5 માર્ચની એક્સપાયરી વાળી ચાંદીમાં સાપ્તાહિક ધોરણે રૂ.8,584નો ઉછાળો જોવા મળ્યો છે, તેમ છતાં તે તેના 29 જાન્યુઆરીના રૂ.4,20,048ના રેકોર્ડ સ્તરથી અત્યારે રૂ.1.67 લાખ જેટલી સસ્તી મળી રહી છે. હાલમાં ચાંદીનો ભાવ રૂ.2,52,944 પ્રતિ કિલોની આસપાસ સ્થિર થયો છે. આવી જ કંઈક સ્થિતિ સોનાના બજારમાં પણ છે. સોનું તેના ઓલ-ટાઈમ હાઈ રેટ રૂ.1,93,096થી ઘટીને અત્યારે રૂ.1,56,876 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું છે, એટલે કે શુદ્ધ સોનામાં પ્રતિ 10 ગ્રામ રૂ.36,220નો મોટો ફાયદો મળી રહ્યો છે.
સ્થાનિક બજારમાં ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) ના જણાવ્યા મુજબ, લગ્નસરાની મોસમ પૂર્વે ભાવમાં આ ઘટાડો મધ્યમ વર્ગ માટે રાહત સમાન છે. નિષ્ણાતોનું માનવું છે કે કિંમતોમાં આવેલા આ મોટા કરેક્શન બાદ હવે લાંબા ગાળાના રોકાણકારો ફરી સક્રિય થયા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ડૉલરની મજબૂતી અને વ્યાજ દરોમાં ફેરફારને કારણે આગામી દિવસોમાં સોના-ચાંદીની ચમક હજુ વધી શકે છે, જેની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડશે.

(11:01 AM IST)