News of Sunday, 22nd February 2026
ઓડિશામાં કાળમુખો અકસ્માત: બેકાબૂ ટ્રકે પોલીસ વાનને કચડી નાખી, 5 જાંબાઝ પોલીસકર્મીઓના કરૂણ મોત
ઝારસુગુડામાં સદર પોલીસ સ્ટેશન પાસે જ સર્જાયો લોહિયાળ જંગ; 3 જવાનો ગંભીર હાલતમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે

ઝારસુગુડા: ઓડિશાના ઝારસુગુડા જિલ્લામાં આજે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માતે સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. જ્યારે રક્ષકો જ ભક્ષક બનેલા વાહનનો શિકાર બન્યા, ત્યારે કાયદો અને વ્યવસ્થાના રખેવાળોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સદર પોલીસ સ્ટેશનની બિલકુલ સામે જ પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રેલરે પેટ્રોલિંગ કરી રહેલી પીસીઆર (PCR) વાનને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે પોલીસ વાનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેમાં સવાર 5 પોલીસકર્મીઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.
આ કરૂણ ઘટનાને નજરે જોનારા લોકોના જણાવ્યા મુજબ, અકસ્માત એટલો ભયાનક હતો કે પોલીસકર્મીઓના મૃતદેહો વાનમાંથી બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ દુર્ઘટનામાં અન્ય ત્રણ જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘાયલ જવાનોની હાલત અત્યંત નાજુક છે અને નિષ્ણાત તબીબોની ટીમ તેમની સારવાર કરી રહી છે. ફરજ દરમિયાન જીવ ગુમાવનારા આ સૈનિકોના સમાચાર મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરતા કાળમુખા ટ્રેલરના ડ્રાઇવરની અટકાયત કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં અકસ્માત પાછળ ડ્રાઇવરની બેદરકારી કે પછી સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવવાનું કારણ હોઈ શકે તેમ મનાય રહ્યું છે. ઝારસુગુડામાં બનેલી આ ઘટનાથી સમગ્ર પોલીસ વિભાગમાં સન્નાટો વ્યાપી ગયો છે. સામાન્ય જનતાની સુરક્ષા માટે રાત-દિવસ એક કરનારા પાંચ જવાનોના અકાળે અવસાનથી તેમના પરિવારો પર આભ તૂટી પડ્યું છે. હાલ પોલીસે ગુનો નોંધીને ડ્રાઇવરની પૂછપરછ હાથ ધરી છે અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા તપાસ તેજ કરી છે.
(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
