<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd February 2026

સરહદે મહાસંગ્રામના એંધાણ: પાકિસ્તાની એરસ્ટ્રાઈકમાં 19 નાગરિકોના મોત, તાલિબાને 'બદલો' લેવાની આપી ખુલ્લી ચેતવણી

નંગરહાર અને પક્તિકામાં રાત્રિના અંધકારમાં પાક. વાયુસેનાનો બોમ્બમારો; માસૂમ બાળકો અને મહિલાઓના મોતે ઈસ્લામાબાદ-કાબુલ વચ્ચે તણાવ વધાર્યો

કાબુલ/ઈસ્લામાબાદ: દક્ષિણ એશિયાના રાજકારણમાં ફરી એકવાર લોહીલુહાણ ખેલ શરૂ થયો છે. શનિવાર અને રવિવારની મધ્યરાત્રિએ પાકિસ્તાની વાયુસેનાના ફાઇટર જેટ્સે આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગી અફઘાનિસ્તાનની ધરતી પર ભયાનક એરસ્ટ્રાઈક કરી છે. આ હુમલામાં અત્યાર સુધીમાં 19 નિર્દોષ નાગરિકોના મોતની પુષ્ટિ થઈ છે, જેના કારણે બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. પાકિસ્તાનનો દાવો છે કે તેણે આતંકવાદી સંગઠન TTP ના ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે, પરંતુ અફઘાનિસ્તાનના પહાડોમાંથી આવતી ચીસો કંઈક અલગ જ વાસ્તવિકતા રજૂ કરી રહી છે.

અફઘાનિસ્તાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે સોશિયલ મીડિયા પર આક્રમક પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, પાકિસ્તાની દળોએ નંગરહાર અને પક્તિકા પ્રાંતના રહેણાંક વિસ્તારોમાં બોમ્બમારો કર્યો છે. આ હુમલામાં સૌથી વધુ નુકસાન સામાન્ય પરિવારોને થયું છે, જેમાં મહિલાઓ અને માસૂમ બાળકોનો પણ સમાવેશ થાય છે. તાલિબાન શાસને આને પોતાની સાર્વભૌમત્વ પર સીધો પ્રહાર ગણાવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કાબુલમાં ઉચ્ચ સ્તરીય સૈન્ય બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે અને તાલિબાન કોઈપણ ક્ષણે પાકિસ્તાન સામે વળતો પ્રહાર કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનમાં વધી રહેલા આત્મઘાતી હુમલાઓ માટે ઈસ્લામાબાદ અફઘાનિસ્તાનને જવાબદાર ઠેરવી રહ્યું છે. જોકે, અફઘાનિસ્તાનની જમીન પર ઘૂસીને કરવામાં આવેલી આ એરસ્ટ્રાઈકે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. હાલમાં સરહદ પર બંને બાજુથી ટેન્કો અને ભારે હથિયારોનો જમાવડો શરૂ થઈ ગયો છે. જો તાલિબાન બદલો લેવાની કાર્યવાહી કરે છે, તો આ આખો વિસ્તાર એક ભયાનક યુદ્ધના અખાડામાં ફેરવાઈ શકે છે, જેની અસર સમગ્ર એશિયા પર પડશે.

(11:15 AM IST)