<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd February 2026

શિક્ષણ જગત કલંકિત: ઓડિશામાં 13 વર્ષની માસૂમ વિદ્યાર્થિની પર ગુજાર્યો સામુહિક બળાત્કાર, 5 શિક્ષકોની ધરપકડ

ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધોને શર્મસાર કરતી ઘટના; ખાનગી શાળાના નરાધમ શિક્ષકોએ લાંબા સમય સુધી આચર્યું શારીરિક શોષણ

કેન્દ્રપારા: શિક્ષણના મંદિરમાં જ જ્યારે રક્ષકો ભક્ષક બને ત્યારે સમાજ માટે તેનાથી મોટી આફત બીજી કોઈ હોઈ શકે નહીં. ઓડિશાના કેન્દ્રપારા જિલ્લામાં એક એવી જ હૃદયદ્રાવક અને સનસનીખેજ ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં ધોરણ 7માં અભ્યાસ કરતી માત્ર 13 વર્ષની બાળકી પર તેની જ શાળાના પાંચ શિક્ષકોએ બળાત્કાર ગુજાર્યો હોવાનો આરોપ લાગ્યો છે. રાજકનિકા પોલીસ સ્ટેશન દ્વારા આ પાંચેય આરોપી શિક્ષકોની ધરપકડ કરવામાં આવતા સમગ્ર રાજ્યમાં રોષ અને આક્રોશની લાગણી ફેલાઈ ગઈ છે.

આ લોહિયાળ સત્ય ત્યારે બહાર આવ્યું જ્યારે પીડિતાએ હિંમત ભેગી કરીને પોતાના માતા-પિતાને આપવીતી જણાવી. બાળકીના જણાવ્યા અનુસાર, આ નરાધમ શિક્ષકો તેને લાંબા સમયથી પોતાની હવસનો શિકાર બનાવી રહ્યા હતા. મામલાની ગંભીરતાને જોઈને બાળ કલ્યાણ સમિતિ (CWC) એ તુરંત તપાસ હાથ ધરી હતી. સમિતિના સભ્ય સ્વાગતિકા પાત્રાએ જણાવ્યું હતું કે, 18 ફેબ્રુઆરીના રોજ ફરિયાદ મળ્યા બાદ 48 કલાકની આંતરિક તપાસમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા હતા, ત્યારબાદ આ મામલો કાયદેસરની કાર્યવાહી માટે પોલીસને સોંપવામાં આવ્યો હતો.

રાજકનિકા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સંજય મલ્લિકે પુષ્ટિ કરી છે કે પ્રાથમિક તપાસ અને પીડિતાના નિવેદનના આધારે પાંચેય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઘટના બાદ રાજકારણ પણ ગરમાયું છે, વિપક્ષી દળ BJD એ કેન્દ્રપારા એસપીને આવેદનપત્ર પાઠવીને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ગુનેગારોને કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે. હાલ પીડિતાને કાઉન્સેલિંગ અને તબીબી સારવાર આપવામાં આવી રહી છે, જ્યારે પોલીસે આ પાપી શિક્ષકો વિરુદ્ધ પોક્સો એક્ટ (POCSO) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ તેજ કરી છે.

(11:41 AM IST)