<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd February 2026

ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં વસંત: તારિક રહેમાનના શાસનમાં વિઝા સેવાઓ ફરી શરૂ, મિત્રતાનો નવો અધ્યાય

બે મહિનાના રાજદ્વારી તણાવ અને અશાંતિ બાદ વિઝા પ્રતિબંધો હટાવાયા; ભારત-બાંગ્લાદેશ વચ્ચે અવરજવરના માર્ગો ફરી ખુલ્યા

નવી દિલ્હી/ઢાકા: દક્ષિણ એશિયાના બે પાડોશી દેશો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી રાજદ્વારી ખટરાગ હવે દૂર થઈ રહી હોય તેવા સુખદ સંકેતો મળી રહ્યા છે. બાંગ્લાદેશમાં થયેલી મોટી રાજકીય ઉથલપાથલ અને સુરક્ષાના કારણોસર બંધ કરાયેલી વિઝા સેવાઓ લગભગ બે મહિના બાદ ફરીથી પૂર્ણપણે પુનઃસ્થાપિત કરવામાં આવી છે. શનિવારે સત્તાવાર સૂત્રોએ પુષ્ટિ કરી છે કે, ભારતીય નાગરિકો હવે પ્રવાસી, તબીબી અને વ્યાપાર સહિતની તમામ શ્રેણીઓ માટે વિઝા મેળવી શકશે. આ પગલાને નવી દિલ્હી અને ઢાકા વચ્ચેના સંબંધોમાં 'આઈસબ્રેકિંગ' ક્ષણ તરીકે જોવામાં આવી રહ્યું છે.

બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ નવા વડાપ્રધાન તરીકે તારિક રહેમાને શપથ લીધાના ગણતરીના દિવસોમાં જ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 22 ડિસેમ્બરે બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી હિંસા અને રાજદ્વારી મિશનો પર થયેલા હુમલાઓને પગલે સુરક્ષાના કારણોસર વિઝા સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી હતી. આ સસ્પેન્શનને કારણે બંને દેશો વચ્ચેના વેપાર અને ખાસ કરીને મેડિકલ ટૂરિઝમ પર ગંભીર અસર પડી હતી. હવે પરિસ્થિતિ થાળે પડતા નવી દિલ્હી સ્થિત બાંગ્લાદેશ હાઈ કમિશને ફરીથી કામગીરી વેગીલી બનાવી છે.

રાજદ્વારી નિષ્ણાતોનું માનવું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તારિક રહેમાનને પાઠવેલા અભિનંદન અને સહયોગની ખાતરી બાદ બંને દેશો પરસ્પર વિશ્વાસ મજબૂત કરવાના મૂડમાં છે. વિઝા સેવાઓ શરૂ થવાથી માત્ર સામાન્ય લોકોની અવરજવર જ નહીં વધે, પરંતુ આર્થિક અને સામાજિક સંબંધોમાં પણ નવી ઉર્જા આવશે. આ વિશ્વાસ-નિર્માણ પ્રક્રિયા (CBM) આગામી મહિનાઓમાં બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય વાટાઘાટો માટે માર્ગ મોકળો કરશે. હાલમાં બંને પક્ષો સરહદી સુરક્ષા અને આર્થિક પ્રોજેક્ટ્સને ફરીથી પાટા પર લાવવા માટે શાંત જોડાણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

(11:41 AM IST)