News of Sunday, 22nd February 2026
દિલ્હીમાં ડબલ મર્ડરથી સનસનાટી: માસૂમ બાળકી અને માતાની કરપીણ હત્યા કરી લાશ બેડના બોક્સમાં છુપાવી
પતિ ઘરે પહોંચ્યો ત્યારે પત્ની-પુત્રી ગાયબ અને સામાન વેરવિખેર હતો; પાડોશી એકાઉન્ટન્ટ પર હત્યાની આશંકા

નવી દિલ્હી: : દેશની રાજધાની દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. દક્ષિણ-પૂર્વ દિલ્હીના સરિતા વિહાર સ્થિત આલી વિહારમાં એક 35 વર્ષીય મહિલા અને તેની માત્ર 6 વર્ષની પુત્રીની નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ ક્રૂર હત્યા બાદ હત્યારાઓએ પુરાવા નાશ કરવાના ઈરાદે બંનેના મૃતદેહોને બેડના સ્ટોરેજ બોક્સમાં ભરી દીધા હતા. શુક્રવારે રાત્રે જ્યારે પરિવારનો મોભી ઘરે પરત ફર્યો ત્યારે આ લોહિયાળ ખેલનો પર્દાફાશ થયો હતો.
મૃતકોની ઓળખ જ્યોતિ અને તેની પુત્રી તરીકે થઈ છે. ઘટનાની વિગતો મુજબ, જ્યોતિનો પતિ જ્યારે રાત્રે 9:30 વાગ્યે કામ પરથી ઘરે આવ્યો, ત્યારે ઘરનો દરવાજો અંદરથી બંધ હતો અને તેના બે બાળકો બહાર બેસીને માતાની રાહ જોતા હતા. પત્નીનો કોઈ સંપર્ક ન થતા અને શંકા જતાં પતિએ પડોશીઓની મદદથી દરવાજો તોડ્યો હતો. અંદર જઈને જોયું તો આખું ઘર વેરવિખેર હતું, પરંતુ કોઈ કિંમતી સામાન ગુમ થયો નહોતો. શોધખોળ દરમિયાન જ્યારે પલંગનું બોક્સ ખોલવામાં આવ્યું, ત્યારે મા-દીકરીની લાશ મળી આવતા ત્યાં હાજર લોકોના શ્વાસ થંભી ગયા હતા.
પોલીસની પ્રાથમિક તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે બંનેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે. આ કેસમાં પોલીસે તે જ બિલ્ડિંગમાં રહેતા 35 વર્ષીય એકાઉન્ટન્ટ દીન દયાલને મુખ્ય શંકાસ્પદ માન્યો છે, જે હાલ ફરાર છે. ક્રાઈમ બ્રાન્ચ અને ફોરેન્સિક ટીમોએ ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કર્યા છે. એક હસતા-રમતા પરિવાર પર તૂટી પડેલા આ પહાડ અને માસૂમ બાળકીની હત્યાથી સમગ્ર વિસ્તારમાં ગમગીની અને રોષ વ્યાપી ગયો છે. હાલ પોલીસની અનેક ટીમો હત્યારાને પકડવા માટે અલગ-અલગ રાજ્યોમાં દરોડા પાડી રહી છે.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
