News of Sunday, 22nd February 2026
આતંકી સાજિશનો સાયલો: દિલ્હીમાં લશ્કર-એ-તૈયબાના ઘાતક ફિદાયીન હુમલાની આશંકાએ હાઈ-એલર્ટ જાહેર
લાલ કિલ્લા પાસેના ઐતિહાસિક મંદિર અને વારસાગત સ્થળો આતંકીઓના નિશાને હોવાના ગુપ્તચર અહેવાલ: પાકિસ્તાન સ્થિત સંગઠનો આઈઈડી બ્લાસ્ટ દ્વારા દિલ્હીને ધમરોળવાનો રચી રહ્યા છે મનસૂબો

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર આતંકવાદનો પડછાયો જોવા મળી રહ્યો છે. ગુપ્તચર એજન્સીઓએ જાહેર કરેલા તાજા અહેવાલ મુજબ, પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા રાજધાનીના ગીચ ધાર્મિક અને વારસાગત સ્થળો પર લોહિયાળ ખેલ ખેલવાની ફિરાકમાં છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગત ૬ ફેબ્રુઆરીએ ઈસ્લામાબાદની એક મસ્જિદ પર થયેલા હુમલાનો બદલો લેવા માટે આતંકીઓ ચાંદની ચોક સ્થિત પ્રાચીન મંદિર અને લાલ કિલ્લાની આસપાસના વિસ્તારોમાં મોટા પાયે IED (વિસ્ફોટક) હુમલાનું આયોજન કરી રહ્યા છે. આ ઇનપુટ્સ બાદ સુરક્ષા એજન્સીઓએ સમગ્ર દિલ્હી-NCRમાં કિલ્લેબંધી તેજ કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, લાલ કિલ્લાની નજીક ત્રણ મહિના પહેલા જ એક ભયાનક વિસ્ફોટ થયો હતો, જેમાં ૧૫ લોકોએ જીવ ગુમાવ્યા હતા. એ દુર્ઘટનાના ઘા હજુ રૂઝાયા નથી ત્યાં ફરી એકવાર એ જ વિસ્તારમાં આતંકી ચેતવણી મળતા સુરક્ષા દળોએ પેટ્રોલિંગમાં ધરખમ વધારો કર્યો છે. અર્ધ-લશ્કરી દળોની ટુકડીઓને મુખ્ય ધાર્મિક સ્થળો અને જાહેર સ્થાનો પર તૈનાત કરવામાં આવી છે. પોલીસ તંત્ર કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે ચોવીસ કલાક ખડેપગે દેખરેખ રાખી રહ્યું છે.
કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ કે વિસ્ફોટક સામગ્રી દિલ્હીમાં પ્રવેશી ન શકે તે માટે શહેરના તમામ પ્રવેશદ્વારો પર લોખંડી પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે. દિલ્હીમાં પ્રવેશતા દરેક વાહનની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને બિનવારસી હાલતમાં પડેલા વાહનો અને લાંબા સમયથી પાર્ક કરેલી ગાડીઓ પર પોલીસ 'હોક આઈ' (બાજ નજર) રાખી રહી છે. સુરક્ષા એજન્સીઓએ નાગરિકોને પણ અપીલ કરી છે કે કોઈપણ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરે. આવું એક ન્યુઝ ચેનલના માધ્યમથી જાણવા મળેલ છે.
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
