<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd February 2026

ઘાટકોપર જૉલી જિમખાનામાં ક્રિકેટનો જશ્ન: જૉલી પ્રીમિયર લીગની ૧૫મી સીઝનનો ભવ્ય પ્રારંભ

વર્ધમાન કપ ટ્રોફીના અનાવરણ અને આકાશમાં રંગબેરંગી બલૂન છોડીને લેધર બૉલ T10 ટુર્નામેન્ટને અપાયો ગ્રાન્ડ ઓપનિંગ લુક: ૧૨ ટીમો વચ્ચે જામશે ખરાખરીનો જંગ

મુંબઈ (ઘાટકોપર): ઘાટકોપરના પ્રતિષ્ઠિત જૉલી જિમખાના દ્વારા આયોજિત લેધર બૉલ T10 ટુર્નામેન્ટ 'જૉલી પ્રીમિયર લીગ' (JPL) ની ૧૫મી સીઝનનો ગઈ કાલે અદભૂત ઓપનિંગ સેરેમની સાથે પ્રારંભ થયો હતો. ગુરુકુળ સ્કૂલના બૅન્ડના મધુર સૂર અને ખેલાડીઓની શિસ્તબદ્ધ પરેડ સાથે શરૂ થયેલા આ કાર્યક્રમે ઉપસ્થિત ખેલપ્રેમીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલી ૧૨ ટીમોએ બૅન્ડ સાથે પરેડ કરી સ્ટેજ પર આગમન કર્યું હતું, ત્યારબાદ યુવક-યુવતીઓએ રમતગમતના ગીતો પર શાનદાર નૃત્ય પ્રસ્તુત કરીને વાતાવરણમાં જોશ ભરી દીધો હતો. વર્ધમાન કપ ટ્રોફીનું અનાવરણ કર્યા બાદ આકાશમાં રંગબેરંગી ફુગ્ગાઓ છોડીને અને રાષ્ટ્રગીતના સન્માન સાથે રિબન કાપી ટુર્નામેન્ટને વિધિવત ખુલ્લી મૂકવામાં આવી હતી.
આ ભવ્ય આયોજનમાં જિમખાનાના ચૅરમૅન રજનીકાંત શાહ, સેક્રેટરી મુકેશ બદાણી, ટ્રેઝરર બળવંત સંઘરાજકા અને મૅનેજિંગ ટ્રસ્ટી મનોજ અજમેરાના માર્ગદર્શન હેઠળ ક્રિકેટ-ઇન્ચાર્જ નિશીથ ગોળવાલા અને તેમની સબ-કમિટીએ ભારે જહેમત ઉઠાવી હતી. ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય સ્પૉન્સર વર્ધમાન ગ્રુપના સાહિલ મહેતા અને ફૂડ-પાર્ટનર કૅબ કન્સ્ટ્રક્શનના ભાવિન છેડાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ તમામ ૧૨ ટીમોના સ્પૉન્સરોને પણ બુકે અને મેમેન્ટો આપી નવાજવામાં આવ્યા હતા.
જૉલી પ્રીમિયર લીગનો આ રોમાંચક જંગ ૨૧, ૨૨, ૨૩ ફેબ્રુઆરી અને ૧ માર્ચના રોજ રમાડવામાં આવશે. લેધર બૉલથી રમાનારી આ T10 ટુર્નામેન્ટમાં સ્થાનિક પ્રતિભાશાળી ખેલાડીઓને પોતાની ક્ષમતા બતાવવાની સુવર્ણ તક મળશે. સંસ્થાના હોદ્દેદારો અને કારોબારી સભ્યોએ આશા વ્યક્ત કરી છે કે આ સીઝન અત્યાર સુધીની સૌથી સફળ સીઝન સાબિત થશે. સમગ્ર ઘાટકોપર પંથકમાં અત્યારે જેપીએલનો ફીવર જોવા મળી રહ્યો છે.

(12:10 PM IST)