<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd February 2026

સલમાન ખાન અને સરોજ ખાન વચ્ચેનો એ ‘ખૂની’ જંગ: જ્યારે કોરિયોગ્રાફરે મોઢામોઢ કહી દીધું, "અલ્લાહ રોટલી આપે છે, તું નહીં!"

'અંદાજ અપના અપના'ના સેટ પર શરૂ થયેલી તકરાર વર્ષો સુધી ચાલી: સલમાને ક્યારેય કામ ન કરવાનું આપ્યું હતું વચન, છતાં અંતે માનવતા જીતી

મુંબઈ: બોલિવૂડમાં સલમાન ખાનની છબી એક ઉદાર વ્યક્તિ તરીકેની છે, જે મિત્રો માટે કંઈ પણ કરવા તૈયાર રહે છે. પરંતુ, ઈન્ડસ્ટ્રીમાં એક સમય એવો પણ હતો જ્યારે ડાન્સ આઈકોન સરોજ ખાન અને સલમાન ખાન વચ્ચેના સંબંધોમાં ભારે કડવાશ આવી ગઈ હતી. આ વિવાદ ૧૯૯૪માં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ 'અંદાજ અપના અપના'ના સેટ પર શરૂ થયો હતો. સરોજ ખાનના એક જૂના ઈન્ટરવ્યુ મુજબ, સલમાનને એવી શંકા હતી કે કોરિયોગ્રાફર તરીકે સરોજજીએ આમિર ખાનને વધુ સારા ડાન્સ સ્ટેપ્સ આપ્યા છે, જ્યારે સલમાનને માત્ર ગળામાં ઢોલક લટકાવીને સાધારણ સ્ટેપ્સ આપ્યા હતા. આ મામલે સલમાન એટલો ગુસ્સે ભરાયો હતો કે તેણે સરોજ ખાન સાથે દુર્વ્યવહાર કર્યો હોવાનો આરોપ પણ લાગ્યો હતો.
વિવાદ એટલો વકર્યો હતો કે સલમાન ખાને સરોજ ખાનને મોઢામોઢ કહી દીધું હતું કે, "એકવાર હું ટોચનો સુપરસ્ટાર બની જઈશ પછી તારી સાથે ક્યારેય કામ નહીં કરું." આ સાંભળીને સરોજ ખાને અત્યંત ગર્વ અને ખુમારી સાથે જવાબ આપ્યો હતો કે, "તું મારી સાથે કામ નહીં કરે તો કંઈ નહીં, મને અલ્લાહ રોટલી આપે છે, તું નહીં." આ એક વાક્ય બોલિવૂડના ઈતિહાસમાં અમર થઈ ગયું હતું. આ ઘટના બાદ બંને વચ્ચે વર્ષો સુધી વાતચીત બંધ રહી હતી અને સલમાને લાંબા સમય સુધી તેમની સાથે કામ કરવાનું ટાળ્યું હતું.
વર્ષો વીતતા ગયા અને ૨૦૧૮માં ગણેશ ચતુર્થીના અવસરે બંને વચ્ચેના વર્ષો જૂના વેરનો અંત આવ્યો. જ્યારે સરોજ ખાન આર્થિક સંકટમાં હતા અને તેમની પાસે કામ નહોતું, ત્યારે આ જ 'દબંગ' સલમાન ખાન તેમની મદદ માટે આગળ આવ્યો હતો. સરોજ ખાને પોતે જ એક ઈન્ટરવ્યુમાં કબૂલાત કરી હતી કે સલમાને તેમને મુશ્કેલ સમયમાં કામ અને આર્થિક મદદ પૂરી પાડી હતી. તેમણે 'દબંગ ૩' ના ગીત માટે ફરી સાથે કામ પણ કર્યું હતું. ૩ જુલાઈ, ૨૦૨૦ના રોજ સરોજ ખાનનું અવસાન થયું, પરંતુ સલમાન સાથેનો તેમનો આ કિસ્સો આજે પણ બોલિવૂડની ગલીઓમાં ચર્ચાય છે.

(12:53 PM IST)