<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd February 2026

મહારાષ્ટ્રના કદાવર નેતા શરદ પવારની તબિયત ફરી લથડી, પુણેની હોસ્પિટલમાં દાખલ કરાયા

મહારાષ્ટ્રના રાજકારણના ભીષ્મ પિતામહ ગણાતા અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સ્થાપક શરદ પવારની તબિયત ફરી એકવાર બગડતા તેમને પુણેની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર, પંચાસી વર્ષીય શરદ પવાર છેલ્લા કેટલાક દિવસોથી સતત ઉધરસ અને ગળામાં ચેપની સમસ્યાથી પીડાઈ રહ્યા હતા. શનિવારે જ તેમને પ્રાથમિક તપાસ બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને તેઓ ઘરે આરામ કરી રહ્યા હતા, પરંતુ રવિવારે અચાનક તબિયત વધુ બગડતા તબીબોની સલાહ મુજબ તેમને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

શરદ પવારની તબિયતના સમાચાર વાયુવેગે ફેલાતા તેમના સમર્થકો અને રાજકીય નેતાઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમની હાલત હાલ સ્થિર છે અને નિષ્ણાત તબીબોની ટીમ તેમના સ્વાસ્થ્ય પર સતત દેખરેખ રાખી રહી છે. તેમને આગામી થોડા દિવસો સુધી સંપૂર્ણ આરામ કરવાની અને લોકો સાથેની મુલાકાતો ટાળવાની સલાહ આપવામાં આવી છે. પવાર સાહેબની વધતી ઉંમરને ધ્યાનમાં રાખીને તબીબો કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતા નથી, તેથી તેમને અત્યારે ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.

રાજકીય વર્તુળોમાં પણ શરદ પવારની તબિયતને લઈને ચર્ચાઓ તેજ બની છે. વિવિધ પક્ષોના નેતાઓએ તેમના ઝડપી સ્વાસ્થ્ય લાભ માટે પ્રાર્થના કરી છે.

 

ઉલ્લેખનીય છે કે, શરદ પવાર મહારાષ્ટ્રના રાજકારણમાં અત્યંત સક્રિય છે અને સતત પ્રવાસો તેમજ બેઠકો કરતા હોય છે. ગળામાં ઈન્ફેક્શનને કારણે તેમને બોલવામાં પણ તકલીફ પડી રહી હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં તેમના પરિવારના સભ્યો હોસ્પિટલ ખાતે હાજર છે અને સમર્થકોને અફવાઓથી દૂર રહેવા તથા શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે. હોસ્પિટલ દ્વારા સમયાંતરે હેલ્થ બુલેટિન બહાર પાડીને તેમની તબિયત અંગેની સત્તાવાર જાણકારી આપવામાં આવશે.

 

(12:58 PM IST)