<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd February 2026

લોકાયુક્તના સકંજામાં ભાજપના ધારાસભ્ય: રૂ.૧૧ લાખની લાંચના સોદામાં ચંદ્રુ લામાની રૂ.૫ લાખ લેતા રંગે હાથે ઝડપાયા

ગડગમાં સિંચાઈ વિભાગની ફાઈલ મંજૂર કરવા કોન્ટ્રાક્ટર પાસે માંગી હતી લાંચ: લોકાયુક્તની ટીમે છટકું ગોઠવી ધારાસભ્ય સહિત PA અને PSની પણ કરી અટકાયત

બેંગલુરુ / ગડગ: કર્ણાટકમાં ભ્રષ્ટાચાર વિરોધી એજન્સી 'લોકાયુક્ત' એ એક મોટી કાર્યવાહી કરતા ભાજપના ધારાસભ્ય ચંદ્રુ લામાનીની લાંચ લેતા રંગે હાથે ધરપકડ કરી છે. શનિવારે સાંજે ગોઠવાયેલા એક હાઈ-પ્રોફાઈલ ટ્રેપમાં ધારાસભ્ય જ્યારે રૂ.૫ લાખની લાંચ સ્વીકારી રહ્યા હતા, ત્યારે જ અધિકારીઓએ ત્રાટકીને તેમને ઝડપી લીધા હતા. આ કાર્યવાહીમાં ધારાસભ્યની સાથે તેમના પર્સનલ આસિસ્ટન્ટ (PA) અને પર્સનલ સેક્રેટરી (PS) ને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. સત્તાધારી પક્ષના ધારાસભ્ય ભ્રષ્ટાચારના કેસમાં પકડાતા રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
રૂ.લોકાયુક્તના અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ, ગડગ જિલ્લામાં નાના સિંચાઈ વિભાગ હેઠળ રસ્તાની બંને બાજુ રિટેનિંગ વોલ બનાવવાનો પ્રોજેક્ટ મંજૂર કરવાનો હતો. આ કામ માટે ગડગના ક્લાસ-૧ કોન્ટ્રાક્ટર વિજય પૂજાર પાસે ધારાસભ્ય ચંદ્રુ લામાનીએ રૂ.૧૧ લાખની માંગણી કરી હતી. કોન્ટ્રાક્ટરે આ ભ્રષ્ટાચાર સામે ઝૂકવાને બદલે લોકાયુક્તનો સંપર્ક કર્યો હતો. ફરિયાદની પ્રાથમિક પુષ્ટિ થયા બાદ પોલીસે વ્યૂહાત્મક રીતે છટકું ગોઠવ્યું હતું.
ગઈકાલે શનિવારે જ્યારે લાંચના પ્રથમ હપ્તા તરીકે રૂ.૫ લાખની લેતીદેતી થઈ રહી હતી, ત્યારે જ લોકાયુક્તની ટીમે દરોડો પાડી લામાનીને પકડી પાડ્યા હતા. આ મામલે અત્યારે ધારાસભ્યના બંને અંગત સહાયકોની કડક પૂછપરછ ચાલી રહી છે કે શું આ અગાઉ પણ આવા કોઈ કૌભાંડો આચરવામાં આવ્યા છે. લોકાયુક્તે ધારાસભ્ય વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.

(1:00 PM IST)