News of Sunday, 22nd February 2026
મુંબઈ મેટ્રો હોનારત: "શું આ હત્યા નથી?"- બેદરકાર અધિકારીઓની ધરપકડ સામે પોલીસ મક્કમ, 25 ફેબ્રુઆરીએ કોર્ટ સંભળાવશે ફેંસલો
મુલુંડમાં મેટ્રોનો સ્લેબ પડતા માસૂમનું મોત નિપજાવનાર કંપનીના અધિકારીઓની આગોતરા જામીન અરજીનો મુંબઈ પોલીસ દ્વારા ઉગ્ર વિરોધ, સલામતીના નિયમો નેવે મૂકી શોર્ટકટ અપનાવ્યાનો સનસનીખેજ આક્ષેપ

મુંબઈ: મુંબઈના મુલુંડ વિસ્તારમાં ૧૪ ફેબ્રુઆરીના રોજ મેટ્રો લાઇન-૪ ના નિર્માણ દરમિયાન બનેલી હૃદયદ્રાવક ઘટનાએ હવે કાયદાકીય વળાંક લીધો છે. ચાલતા ટ્રાફિક પર કોંક્રિટનો ભારેખમ પેરાપેટ સ્લેબ પડવાને કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો અને ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ મામલે મિલાન રોડ બિલ્ડટેક એલએલપીના મેનેજિંગ પાર્ટનર અલ્પેશ પટેલ અને ટેકનિકલ ડિરેક્ટર ગણેશ ઘોલપે ધરપકડથી બચવા માટે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જોકે, શનિવારે મુંબઈ પોલીસે આ જામીન અરજીનો સખત વિરોધ કરતા કોર્ટને જણાવ્યું હતું કે, આ માત્ર અકસ્માત નથી પરંતુ ગંભીર બેદરકારીનું પરિણામ છે.
પોલીસે કોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં ચોંકાવનારો દાવો કર્યો છે કે કંપનીએ જરૂરી કોંક્રિટિંગ કામ પૂર્ણ કર્યા વિના જ પેરાપેટ ઇન્સ્ટોલ કરી દીધા હતા. અધિકારીઓને ખબર હતી કે આ પ્રકારે કામ કરવાથી મોટું માળખું ગમે ત્યારે તૂટી શકે છે, છતાં નફા માટે સલામતીના નિયમોનો ભંગ કરવામાં આવ્યો હતો. બીજી તરફ, આરોપી અધિકારીઓએ બચાવમાં દલીલ કરી હતી કે તેઓ સીધી રીતે સાઈટ પર હાજર નહોતા અને આ બધું એક વેલ્ડરની ભૂલને કારણે થયું છે. પોલીસે આ દલીલને ફગાવી દેતા કહ્યું કે, અધિકારીઓ વારંવાર સમન્સ મોકલવા છતાં તપાસમાં સહકાર આપી રહ્યા નથી અને પુરાવા સાથે છેડછાડ થવાની ભીતિ છે.
આ ઘટના બાદ મુંબઈના રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મેટ્રો પ્રોજેક્ટ્સમાં ઝડપ લાવવાની લ્હાયમાં લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. પોલીસે આ કેસને અત્યંત ગંભીર ગણાવતા કસ્ટોડિયલ પૂછપરછની માંગ કરી છે. હવે સમગ્ર મુંબઈની નજર ૨૫ ફેબ્રુઆરી પર ટકેલી છે, જ્યારે કોર્ટ નક્કી કરશે કે આ બેદરકાર અધિકારીઓને જેલના સળિયા પાછળ મોકલવા કે જામીન આપવા. આ કેસ મેટ્રો પ્રોજેક્ટ્સમાં કામ કરતી તમામ કંપનીઓ માટે જવાબદારી નક્કી કરનારો સાબિત થઈ શકે છે.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
