News of Sunday, 22nd February 2026
વિશ્વયુદ્ધના એંધાણ? ઈરાને EU લશ્કરી દળોને ‘આતંકવાદી’ જાહેર કર્યા, ટ્રમ્પે આપી 15 દિવસની અંતિમ ચેતવણી
IRGC પર પ્રતિબંધના જવાબમાં ઈરાનનો વળતો પ્રહાર: પરમાણુ કરાર મુદ્દે અમેરિકા અને તેહરાન વચ્ચે આરપારની લડાઈ શરૂ, મધ્ય પૂર્વમાં યુએસ નૌકાદળની સૌથી મોટી તૈનાતીથી ખળભળાટ

તેહરાન/વોશિંગ્ટન: વિશ્વના નકશા પર ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરાઈ રહ્યા છે. ઈરાને એક આક્રમક પગલું ભરતા યુરોપિયન યુનિયન (EU) ના તમામ સભ્ય દેશોના નૌકાદળ અને વાયુસેનાને "આતંકવાદી સંગઠન" તરીકે લેબલ કરી દીધા છે. ઈરાનનું આ પગલું યુરોપિયન યુનિયન દ્વારા ઈરાનની શક્તિશાળી લશ્કરી પાંખ 'ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ' (IRGC) ને આતંકવાદી જાહેર કરવાના જવાબમાં લેવાયેલું એક વળતું પ્રહાર છે. ઈરાનના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ૨૦૧૯ ના પોતાના કાયદા મુજબ તે તમામ દેશો સામે કાર્યવાહી કરશે જેઓ અમેરિકા કે યુરોપના ઈરાન વિરોધી નિર્ણયોને સમર્થન આપશે. આ નિર્ણય બાદ પશ્ચિમ એશિયામાં ભારે તણાવની સ્થિતિ સર્જાઈ છે.
બીજી તરફ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને સીધી અને કડક ચેતવણી આપી છે. ટ્રમ્પે જણાવ્યું છે કે ઈરાન પાસે પરમાણુ કરાર પર સમાધાન કરવા માટે માત્ર ૧૦ થી ૧૫ દિવસનો સમય છે, નહીંતર પરિણામો ભયાનક આવશે. ટ્રમ્પે ભારપૂર્વક કહ્યું કે તેહરાન સમગ્ર પ્રદેશની સ્થિરતાને જોખમમાં મૂકી શકે નહીં. હાલમાં, અમેરિકાએ ૨૦૦૩ ના ઈરાક આક્રમણ પછી પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં હવાઈ અને નૌકાદળ દળો પશ્ચિમ એશિયામાં તૈનાત કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, યુએસ સૈન્ય હુમલા માટે તૈયાર છે અને માત્ર રાષ્ટ્રપતિના અંતિમ આદેશની રાહ જોવાઈ રહી છે.
૧૯૭૯ ની ક્રાંતિ પછી બનેલી IRGC માત્ર સૈન્ય નથી, પરંતુ ઈરાનના અર્થતંત્ર અને પરમાણુ કાર્યક્રમો પર પણ તે મજબૂત પકડ ધરાવે છે. યુરોપ અને અમેરિકા તેને અલ-કાયદા અને ઇસ્લામિક સ્ટેટની શ્રેણીમાં મૂકીને તેની આર્થિક કમર તોડવા માંગે છે. જોકે, ઈરાન આંતરરાષ્ટ્રીય કાયદાના ઉલ્લંઘનનો દાવો કરીને પીછેહઠ કરવા તૈયાર નથી. હવે આંતરરાષ્ટ્રીય સમુદાયની નજર એ વાત પર છે કે આગામી બે અઠવાડિયામાં ઈરાન નમશે કે પછી ખાડી દેશોમાં મોટો સૈન્ય સંઘર્ષ છેડાશે
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
