<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd February 2026

અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી! કૃત્રિમ પગે ૨૨ વર્ષના યુવાને સર કર્યું મહારાષ્ટ્રનું સૌથી ઊંચું શિખર ‘કલસુબાઈ

કેન્સર સામે જંગ જીત્યા બાદ પ્રમોદ પાવડેએ માત્ર ૨ કલાક ૪૮ મિનિટમાં ૫,૪૦૦ ફૂટ ઊંચો ટ્રેક પૂર્ણ કરી રચ્યો ઇતિહાસ, તેની અતૂટ મક્કમતા જોઈ અનુભવી પર્વતારોહકો પણ આશ્ચર્યચકિત

’
પુણે/નાશિક: કહેવાય છે કે પહાડો ચઢવા માટે મજબૂત પગની નહીં, પણ મજબૂત ઈચ્છાશક્તિની જરૂર હોય છે. આ વાતને સાર્થક કરી બતાવી છે મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના ૨૨ વર્ષીય પ્રમોદ પાવડેએ. ૧૫ વર્ષની નાની ઉંમરે હાડકાના કેન્સર (બોન સાર્કોમા) ને કારણે પોતાનો એક પગ ગુમાવનાર પ્રમોદ અત્યારે આખા દેશ માટે પ્રેરણાનું સ્ત્રોત બન્યો છે. જાન્યુઆરીની કકડતી ઠંડીમાં, જ્યારે લોકો રજાઈમાંથી બહાર નીકળતા અચકાય છે, ત્યારે પ્રમોદે રાત્રે ૨ વાગ્યે મહારાષ્ટ્રના સૌથી ઊંચા શિખર કલસુબાઈ પર ચઢાણ શરૂ કર્યું અને માત્ર ૨ કલાક અને ૪૮ મિનિટમાં સમુદ્ર સપાટીથી ૫,૪૦૦ ફૂટની ઊંચાઈ પર પહોંચીને તિરંગો લહેરાવ્યો હતો.
સામાન્ય રીતે શારીરિક રીતે સક્ષમ ટ્રેકર્સને પણ કલસુબાઈના ખડકાળ અને અસમાન રસ્તાઓ પર ચઢવામાં ૩ થી ૪ કલાકનો સમય લાગે છે, પરંતુ પ્રમોદે કૃત્રિમ પગ (Prosthetic Leg) સાથે આ સિદ્ધિ મેળવીને સૌને ચોંકાવી દીધા છે. ચઢાણ દરમિયાન પથરાળ રસ્તો અને અંધારું સૌથી મોટો પડકાર હતા, પરંતુ સાથી ટ્રેકર્સના પ્રોત્સાહન અને શિખર પરથી સૂર્યોદય જોવાની તમન્નાએ તેને અટકવા ન દીધો. પ્રમોદના જણાવ્યા મુજબ, શિખર પરથી જોયેલો એ સૂર્યોદય તેના જીવનનો સૌથી સુંદર નજારો હતો.
પ્રમોદના જીવનમાં આ વળાંક ૨૦૧૮માં આવ્યો જ્યારે ક્રિકેટ રમતી વખતે તે પડી ગયો અને તપાસમાં હાડકાનું કેન્સર હોવાનું બહાર આવ્યું. મુંબઈની ટાટા હોસ્પિટલમાં લાંબી સારવાર બાદ તેને પગ ગુમાવવો પડ્યો હતો. જોકે, ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન અને વિવિધ એનજીઓના સહયોગથી તેને કૃત્રિમ પગ મળ્યો. આજે પ્રમોદ માત્ર ટ્રેકર જ નહીં, પણ પુણેની એક ખાનગી કંપનીમાં સેલ્સપર્સન તરીકે સફળતાપૂર્વક કામ કરી રહ્યો છે. તેની આ સિદ્ધિ એ સાબિત કરે છે કે જો મન મક્કમ હોય તો શરીરની મર્યાદાઓ ક્યારેય સફળતાના આડે આવતી નથી.

(1:26 PM IST)