<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd February 2026

તાલિબાનના નવા કાયદા પર જાવેદ અખ્તરનો આક્રોશ

અફગાનિસ્તાનમાં પત્ની પર હિંસાને કાનૂની માન્યતા આપતા ક્રૂર નિયમોની વૈશ્વિક સ્તરે ટીકા: જાવેદ અખ્તરે ધર્મના નામે થતા અત્યાચાર સામે ઉઠાવ્યો અવાજ

નવી દિલ્‍હીઃઅફગાનિસ્તાનમાં તાલિબાન શાસન દ્વારા મહિલાઓના અધિકારોને કચડી નાખતા નવા પીનલ કોડના અમલથી ભારે વિવાદ સર્જાયો છે. ખાસ કરીને પતિ દ્વારા પત્ની પર થતી હિંસાને કેટલીક શરતો સાથે કાનૂની માન્યતા આપતા આ કાયદા સામે બોલિવૂડ લેખક જાવેદ અખ્તરે આકરા પ્રહાર કર્યા છે.
નવા નિયમો મુજબ, જો પતિ પત્નીને મારપીટ કરે અને ગંભીર ઇજા કે હાડકું ન તૂટે તો તેને કાયદેસર ગણવામાં આવશે. જો હાડકું તૂટે અથવા સ્પષ્ટ ઇજા થાય તો પણ સજા મર્યાદિત સમય માટે જ રહેશે. સાથે જ, જો કોઈ પત્ની પતિની પરવાનગી વિના પિયર જાય તો તેને ત્રણ મહિના સુધી જેલની સજા થઈ શકે છે.
આ કાયદાને લઈને બોલીવુડના જાણીતા લેખક Javed Akhtarએ કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે ધર્મના નામે મહિલાઓ પર આવા અત્યાચારને કાનૂની માન્યતા આપવી અત્યંત ચિંતાજનક છે. તેમણે ધાર્મિક નેતાઓને પણ આવા નિયમોનો નિશર્ત વિરોધ કરવાની અપીલ કરી.
અફગાનિસ્તાનમાં અંદાજે 2 કરોડથી વધુ મહિલાઓ પર આ નિયમોની સીધી અસર પડી શકે છે. અહીં છોકરીઓને છઠ્ઠા ધોરણ બાદ શિક્ષણ મેળવવા પર પ્રતિબંધ છે. ઈજનેરી, કૃષિ, પત્રકારિતા અને ખનન જેવા ક્ષેત્રોમાં મહિલાઓની એન્ટ્રી લગભગ બંધ છે. પરિણામે, મહિલાઓ માટે ઘર અને લગ્નજીવન જ એકમાત્ર વિકલ્પ બની રહ્યો છે.
માનવ અધિકાર સંગઠનો આ કાયદાને મહિલાઓના મૂળભૂત અધિકારો વિરુદ્ધ ગણાવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
તાલિબાનના નવા દમનકારી કાયદા હેઠળ મહિલાઓ પરની હિંસાને પ્રોત્સાહન મળવાની ભીતિ છે, જેની સામે જાવેદ અખ્તરે માનવતાના ધોરણે અવાજ ઉઠાવી ધાર્મિક નેતાઓને આ મામલે મૌન તોડવા વિનંતી કરી છે.

(3:12 PM IST)