News of Sunday, 22nd February 2026
મનાઈ ગામમાં માતમ: જે આંગણે જાન આવવાની હતી ત્યાંથી બે બહેનોની અર્થી ઉઠી, લગ્નની રાત્રે જ ખેલાયો 'મોતનો તાંડવ'
રાજસ્થાનના જોધપુરમાં લગ્નના મંડપમાં મંગળ ગીતોની જગ્યાએ મરશિયા ગુંજ્યા: શણગાર સજીને બેઠેલી બે સગી બહેનોના રહસ્યમય સંજોગોમાં કરુણ મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકની લહેર પ્રસરી ગઈ

જોધપુર: રાજસ્થાનના જોધપુર જિલ્લાના મનાઈ ગામમાં એક એવો મંગળ પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો જેની કલ્પના માત્રથી રુંવાડા ઉભા થઈ જાય છે. શુક્રવારની એ રાત જ્યારે આખું ગામ બે બહેનો, શોભા અને વિમલાના લગ્નના ઉત્સાહમાં ડૂબેલું હતું, ત્યારે કોઈને અંદાજો નહોતો કે કાળચક્ર કંઈક અલગ જ યોજના બનાવી રહ્યો છે. જે આંગણે થોડી જ વારમાં શરણાઈના સૂર ગુંજવાના હતા અને જાનનું સ્વાગત થવાનું હતું, ત્યાં અચાનક ચીસાચીસ અને રૂદન સાંભળવા મળ્યું. લગ્નની વિધિઓ શરૂ થાય તે પહેલા જ બંને બહેનોના જીવનનો દીવો બુઝાઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ, શુક્રવારે રાત્રે જ્યારે લગ્નની અંતિમ તૈયારીઓ ચાલી રહી હતી અને બંને બહેનો દુલ્હનના શણગારમાં સજ્જ હતી, ત્યારે અચાનક તેમની તબિયત લથડવા માંડી હતી. જોતજોતામાં બંનેની હાલત ગંભીર બની ગઈ અને તેઓ બેભાન થઈ ગઈ હતી. હરખમાં ડૂબેલા પરિવારજનો આ દ્રશ્ય જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. લગ્નની ખુશીઓ પળવારમાં ચિંતામાં ફેરવાઈ ગઈ અને તાત્કાલિક ધોરણે બંને દીકરીઓને હોસ્પિટલ દોડાવવામાં આવી હતી. જોકે, કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું, હોસ્પિટલ પહોંચતા જ તબીબોએ તેમને મૃત જાહેર કરી હતી.
આ ઘટના બાદ મનાઈ ગામમાં સન્નાટો વ્યાપી ગયો છે. પ્રાથમિક અહેવાલો મુજબ આ આત્મહત્યાનો મામલો હોવાનું શંકાસ્પદ રીતે જણાઈ રહ્યું છે, પરંતુ લગ્નના દિવસે જ આવું અંતિમ પગલું ભરવા પાછળનું કારણ હજુ પણ અકબંધ છે. શું કોઈ માનસિક દબાણ હતું કે પછી અન્ય કોઈ રહસ્યમય કારણ? તે પ્રશ્ન અત્યારે પોલીસ અને ગ્રામજનોને મુંઝવી રહ્યો છે. જે ઘરમાં થોડીવાર પહેલા શુકનવંતી મીઠાઈઓ વહેંચાતી હતી, ત્યાં હવે પોલીસની ટીમ પુરાવા એકઠા કરી રહી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં આસપાસના લોકો અને પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે. લગ્નના થોડા કલાકો પહેલા જ આવું હૃદયદ્રાવક પગલું ભરવા પાછળનું સત્ય જાણવા માટે પોલીસ ટેકનિકલ પુરાવા અને મોબાઈલ કોલ ડિટેલ્સની પણ તપાસ કરી શકે છે. હાલમાં બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. આ કરુણ ઘટનાએ માત્ર એક પરિવારને જ નહીં પરંતુ સમગ્ર સમાજને હચમચાવી દીધો છે અને લગ્નના માહોલને માતમના કાળા પડછાયાએ ઘેરી લીધો છે.
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
