<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd February 2026

યુપીમાં ‘ઓફર’ની સીઝન: યોગી વિદેશ ગયા ને અખિલેશે ડેપ્યુટી CM માટે લાલ જાજમ બિછાવી!

૧૦૦ ધારાસભ્યો લાવો અને સીએમ બનો” – અખિલેશ યાદવની આક્રમક ઓફર સામે ભાજપે વળતો પ્રહાર કરતા સપા સુપ્રીમોને ‘પોગો ચેનલ’ના પાત્ર ગણાવ્યા

લખનૌ:  ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જેવી જ સિંગાપોર અને જાપાનના પ્રવાસે રવાના થયા, કે તરત જ રાજ્યના રાજકારણમાં વિપક્ષી નેતા અખિલેશ યાદવે એક મોટો ‘માસ્ટરસ્ટ્રોક’ મારવાનો પ્રયાસ કર્યો છે. અખિલેશે બંને નાયબ મુખ્યમંત્રીઓ, કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠકને ખુલ્લી ઓફર આપતા કહ્યું કે, જો તેઓ ભાજપના ૧૦૦ ધારાસભ્યો તોડીને લાવે, તો સમાજવાદી પાર્ટી તેમને મુખ્યમંત્રી બનાવવા માટે સમર્થન આપશે. અખિલેશની આ "૧૦૦ લાવો, સીએમ બનો" વાળી ઓફરે લખનૌથી લઈને દિલ્હી સુધીના રાજકીય ગલિયારાઓમાં ખળભળાટ મચાવી દીધો છે, જેને ઘણા લોકો ભાજપની અંદર ખાનાબંધીનો ફાયદો ઉઠાવવાની રમત માની રહ્યા છે.

જોકે, ભાજપે આ ઓફરને સહેજ પણ ગંભીરતાથી લેવાને બદલે અખિલેશ યાદવ પર તીખો કટાક્ષ કર્યો છે. ભાજપના પ્રવક્તા મનીષ શુક્લાએ અખિલેશની તુલના કાર્ટૂન ચેનલ ‘પોગો’ના પાત્ર સાથે કરી નાખી છે. તેમણે જણાવ્યું કે, અખિલેશ યાદવ હવે એક ગંભીર નેતા મટીને મનોરંજનનું સાધન બની ગયા છે અને જ્યારે પણ તેઓ ટીવી પર આવે છે ત્યારે લોકો તેમને સાંભળવાને બદલે તેમના પર હસવા લાગે છે. ભાજપનું કહેવું છે કે સત્તા ગુમાવ્યા બાદ અખિલેશમાં જે હતાશા જન્મી છે, તેના કારણે જ તેઓ આવા પાયાવિહોણા નિવેદનો આપી રહ્યા છે, જે જનતા પણ હવે સ્વીકારવા તૈયાર નથી.

બીજી તરફ, આ રાજકીય નિવેદનબાજી વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જાપાનમાં અત્યાધુનિક ‘મેગ્લેવ ટ્રેન’ની ટેકનોલોજી નિહાળવા અને ઉત્તર પ્રદેશમાં મોટું રોકાણ લાવવા માટે વ્યસ્ત છે. યોગી ૨૨ ફેબ્રુઆરીની રાત્રે રવાના થયા છે અને તેઓ ૬૦૦ કિમીની ઝડપે દોડતી ટ્રેનનું નિરીક્ષણ કરીને યુપીના પરિવહન ક્ષેત્રે ક્રાંતિ લાવવાના પ્રયાસો કરશે. આમ, એકતરફ જ્યારે મુખ્યમંત્રી રાજ્યના વિકાસ માટે વિદેશી ધરતી પર ‘પીચ’ તૈયાર કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ અખિલેશ યાદવ લખનૌની ધરતી પર ભાજપની ‘વિકેટ’ પાડવાની ફિરાકમાં છે. હવે જોવાનું એ રહેશે કે આ ‘ઓફર પોલિટિક્સ’માં આગામી દિવસોમાં કોનું પલ્લું ભારે રહે છે.

(7:19 PM IST)