News of Sunday, 22nd February 2026
બિહારમાં હંગામો : નેપાળમાં લગ્ન: ૬૦ વર્ષના આચાર્ય ૨૮ વર્ષની શિક્ષિકાને પરણ્યા : સરહદ ઓળંગી રચાયો હાઈવોલ્ટેજ ડ્રામા!
મુઝફ્ફરપુરમાં આંતરધાર્મિક લગ્નને પગલે ભારે તણાવ : ભાઈએ લગાવ્યો અપહરણ અને ધર્મ પરિવર્તનનો આરોપ

મુઝફ્ફરપુર: બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના ઔરાઈ વિસ્તારમાં એક એવી પ્રેમ કહાની સામે આવી છે જેણે સામાજિક અને કાયદાકીય મર્યાદાઓને હચમચાવી દીધી છે. ૬૦ વર્ષીય શાળાના આચાર્ય રાકેશ સાહ, જેઓ ચાર બાળકોના પિતા છે, તેમણે ૨૮ વર્ષીય શિક્ષિકા શૈસ્તા પરવીન સાથે નેપાળના જનકપુરધામમાં જઈને લગ્ન કરી લેતા આખા પંથકમાં સનસનાટી મચી ગઈ છે. આ મામલો ત્યારે ગરમાયો જ્યારે ૧૮ ફેબ્રુઆરીએ શાળાએ ગયેલી શૈસ્તા ઘરે પરત ન ફરી અને તેના ભાઈએ પોલીસ સ્ટેશનમાં આચાર્ય વિરુદ્ધ અપહરણ તેમજ બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવાની ગંભીર કલમો હેઠળ FIR નોંધાવી. આ હાઈવોલ્ટેજ ડ્રામામાં આચાર્યની પત્ની અને પુત્રીને પણ આરોપી બનાવવામાં આવ્યા છે, જેના કારણે સ્થાનિક સ્તરે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
જોકે, આ મામલે ત્યારે નવો વળાંક આવ્યો જ્યારે ગુમ થયેલી શિક્ષિકા શૈસ્તાએ નેપાળની ધરતી પરથી એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. આ વીડિયોમાં તેણીએ તેના પરિવારના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવતા સ્પષ્ટ કર્યું કે, તેણે રાકેશ સાહ સાથે કોઈ પણ જાતના દબાણ વગર, પોતાની સંપૂર્ણ સમજણ અને સ્વતંત્ર ઈચ્છાથી લગ્ન કર્યા છે. તેણીએ પોલીસને વિનંતી કરી છે કે તેના પતિને હેરાન કરવામાં ન આવે કારણ કે તેઓ હવે કાયદેસર રીતે વિવાહિત છે. આ વીડિયો સામે આવ્યા બાદ મામલો વધુ ગૂંચવાયો છે, કારણ કે એક તરફ કાયદાકીય FIR છે અને બીજી તરફ પુખ્ત વયની યુવતીનું પોતાની મરજીથી લગ્ન કરવાનું નિવેદન છે.
આ કેસ આંતરધાર્મિક હોવાથી અને ઉંમરનો મોટો તફાવત હોવાથી વિસ્તારમાં સાંપ્રદાયિક તણાવ વધવાની આશંકા સેવાઈ રહી છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા મુઝફ્ફરપુર પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પૂર્વીય SDPO-1 અલય વત્સના માર્ગદર્શન હેઠળ પોલીસે આરોપીઓના મોબાઈલ જપ્ત કરી કોલ ડિટેલ્સ તપાસવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ ખરેખર પ્રેમ લગ્ન છે કે પછી આની પાછળ કોઈ મોટું ષડયંત્ર છુપાયેલું છે. હાલમાં બંને પ્રેમી પંખીડા નેપાળમાં હોવાની પુષ્ટિ થઈ છે, પરંતુ બિહારમાં આ કિસ્સો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
(7:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
