<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd February 2026

કિશ્તવાડમાં સેનાનો ‘સર્જિકલ પ્રહાર’: જૈશનો કુખ્યાત કમાન્ડર સૈફુલ્લાહ ઠાર:

ઓપરેશન ત્રશી-I અંતર્ગત સુરક્ષા દળોએ ૩ આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા : પાકિસ્તાની હેન્ડલર સૈફુલ્લાહ બલોચના ખાતમા સાથે જૈશ-એ-મોહમ્મદના નેટવર્કને મોટો ફટકો

કિશ્તવાડ:  જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડના ગાઢ જંગલો અને બરફથી ઢંકાયેલા પહાડોમાં ભારતીય સુરક્ષા દળોએ આતંકવાદ વિરુદ્ધ એક નિર્ણાયક વિજય મેળવ્યો છે. પાકિસ્તાની સેનાના પીઠબળ સાથે ઘૂસણખોરી કરનારા આતંકીઓને જડબાતોડ જવાબ આપતા ભારતીય સેના, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત ઓપરેશનમાં જૈશ-એ-મોહમ્મદના ટોચના કમાન્ડર સૈફુલ્લાહ સહિત ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે. સૈફુલ્લાહ, જે પાકિસ્તાની નાગરિક હતો, તે લાંબા સમયથી ડોડા-કિશ્તવાડ પટ્ટામાં સક્રિય હતો અને નિર્દોષ યુવાનોને આતંકના માર્ગે વાળવા માટે કુખ્યાત હતો. તેની હિલચાલ પર નજર રાખવા માટે સેનાએ છેલ્લા કેટલાય મહિનાઓથી વ્યૂહાત્મક જાળ બિછાવી હતી, જેનું પરિણામ આ સફળ એન્કાઉન્ટરમાં જોવા મળ્યું છે.

આ ભીષણ એન્કાઉન્ટર દરમિયાન માત્ર માનવીય શૌર્ય જ નહીં, પરંતુ સેનાના અબોલ યોદ્ધાઓની બહાદુરી પણ સામે આવી છે. ડોગ સ્ક્વોડનો હિસ્સો એવા બહાદુર આર્મી ડોગ ‘ટાયસન’એ આતંકીઓને શોધવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જે દરમિયાન આતંકીઓના ગોળીબારમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. ટાયસનને તાત્કાલિક ઉધમપુરની કમાન્ડ હોસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવ્યો છે, જ્યાં ડોક્ટરોની ટીમ તેની સારવાર કરી રહી છે. આ ઓપરેશન ત્રશી-I હેઠળ વ્હાઇટ નાઈટ કોર્પ્સના CIF ડેલ્ટા ફોર્સે જે રીતે આતંકીઓને ચારે બાજુથી ઘેરીને એક્શન લીધું, તેનાથી આતંકી સંગઠનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

ઘટનાસ્થળેથી બે અત્યાધુનિક AK-47 રાઈફલ્સ અને વિપુલ પ્રમાણમાં દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે આ આતંકીઓ શિયાળાનો લાભ લઈને કોઈ મોટા હુમલાની ફિરાકમાં હતા. જૈશ કમાન્ડર સૈફુલ્લાહ બલોચ તેના સાથી આદિલના મોત બાદ સતત ઠેકાણા બદલી રહ્યો હતો, પરંતુ સુરક્ષા દળોની ચોકસાઈ અને ઇન્ટેલિજન્સ બ્યુરોની સચોટ માહિતીને કારણે તે બચી શક્યો નહીં. હાલમાં આખા વિસ્તારમાં સર્ચ ઓપરેશન વધુ તેજ કરી દેવામાં આવ્યું છે જેથી અન્ય કોઈ સંતાયેલા આતંકીઓ કે હથિયારોનો જથ્થો શોધી શકાય. જમ્મુ-કાશ્મીરમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા તત્વો માટે આ ઓપરેશન એક કડક સંદેશ સમાન છે.

(7:22 PM IST)