<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd February 2026

PM મોદીનો કોંગ્રેસ પર ‘પાવર પંચ’: “ખુરશી પર બેસવાથી કોઈ પીએમ નથી બનતું: જનતાના દિલ જીતવા પડે છે!”

મેરઠની રણભેરીથી વડાપ્રધાને વિપક્ષની ‘શર્ટલેસ’ વિરોધ પ્રદર્શનની નીતિને ઝાટકી : વૈશ્વિક AI સમિટને બદનામ કરવાનો આરોપ લગાવતા કહ્યું, “કોંગ્રેસ હવે દેશ માટે બોજ બની ગઈ છે”

મેરઠ:   વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  મેરઠની જંગી જનસભા અને ‘ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટ’ના મંચ પરથી કોંગ્રેસની આકરી ઝાટકણી કાઢી છે. સંસદમાં બનેલી અભૂતપૂર્વ ઘટના અને વિપક્ષી સાંસદોના વર્તન પર આકરા પ્રહાર કરતા પીએમ મોદીએ એક મોટો રાજકીય મંત્ર આપ્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જો તમારે વડાપ્રધાનની ખુરશી પર બેસવું હોય, તો પહેલા દેશની જનતાના દિલ જીતતા શીખો. મહિલા સાંસદોને આગળ કરી વડાપ્રધાનની ખુરશી સુધી મોકલવાની અને હંગામો કરવાની કોંગ્રેસની રીતને પીએમએ લોકશાહી અને દેશની ગરિમા માટે ખતરો ગણાવી હતી. તેમણે કટાક્ષ કરતા પૂછ્યું કે, "શું તમે એટલા ખોખલા થઈ ગયા છો કે તમારે માતાઓ-બહેનોનો ઉપયોગ રાજકીય હંગામા માટે કરવો પડે છે?"

વડાપ્રધાને દિલ્હીમાં યોજાયેલી ગ્લોબલ AI સમિટ દરમિયાન કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવેલા ‘શર્ટલેસ’ (નગ્ન) પ્રદર્શન પર પણ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, જ્યારે 80થી વધુ દેશોના પ્રતિનિધિઓ ભારતની ટેકનોલોજીકલ પ્રગતિ જોવા આવ્યા હતા, ત્યારે કોંગ્રેસે તેના ‘ગંદા રાજકારણ’ માટે આ વૈશ્વિક મંચનો દુરુપયોગ કર્યો. પીએમએ ઉમેર્યું કે, વિદેશી મહેમાનો સામે કપડાં ઉતારીને પ્રદર્શન કરવું એ દર્શાવે છે કે દેશની સૌથી જૂની પાર્ટી હવે વૈચારિક રીતે નાદાર થઈ ગઈ છે. તેમણે આક્ષેપ કર્યો કે કોંગ્રેસ માત્ર મોદીના વિરોધમાં આંધળી બનીને હવે દેશના આંતરરાષ્ટ્રીય સન્માનને પણ ઠેબે ચડાવી રહી છે.

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ આશ્ચર્યજનક રીતે વિપક્ષી ગઠબંધનના અન્ય સાથી પક્ષોનો આભાર માન્યો હતો. તેમણે નોંધ્યું કે કોંગ્રેસના આ વર્તનની ટીકા તેના જ સાથી પક્ષોએ કરી છે, જે રાષ્ટ્રના ગૌરવ માટે સારી બાબત છે. પીએમે કહ્યું, "જે લોકો મારી કબર ખોદવા માંગે છે, તેમને ખબર નથી કે દેશના કરોડો લોકોના આશીર્વાદ મારી સુરક્ષા કવચ છે." કોંગ્રેસને દેશ માટે ‘બોજ’ ગણાવતા પીએમએ ચેતવણી આપી કે દેશવાસીઓ ભારતની સફળતાને પચાવી ન શકનારા તત્વોને ક્યારેય માફ નહીં કરે. મેરઠની આ રેલીએ આગામી રાજકીય માહોલને વધુ ગરમાવી દીધો છે.

(7:22 PM IST)