News of Sunday, 22nd February 2026
યમનમાં બળવો: ૧૯૯૦ પહેલાના ‘દક્ષિણ યમન’ની માંગ સાથે હજારો લોકો રસ્તા પર : ગૃહયુદ્ધના ભણકારા!
ઈરાન બાદ હવે યમનની સરકાર સામે આક્રોશનો જ્વાળામુખી ફાટ્યો : એડન શહેરમાં લાખો લોકોએ જૂના ધ્વજ લહેરાવીને આઝાદીના નારા લગાવ્યા

સનાઆ: ઈરાનમાં ચાલી રહેલા સરકાર વિરોધી આંદોલનની લપેટ હવે પાડોશી દેશ યમન સુધી પહોંચી ગઈ છે. યમનના દક્ષિણ ભાગમાં, ખાસ કરીને એડન શહેરમાં, સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે કારણ કે હજારો લોકો ૧૯૯૦ પહેલાના 'દક્ષિણ યમન' રાજ્યની પુનઃસ્થાપનાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે. આ પ્રદર્શનકારીઓનું માનવું છે કે ઉત્તર અને દક્ષિણ યમનના એકીકરણ બાદ દક્ષિણના લોકો સાથે અન્યાય થયો છે અને તેમને હાંસિયામાં ધકેલી દેવાયા છે. જૂના દક્ષિણ યમનના ધ્વજ સાથે નીકળેલી આ રેલીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સાઉદી સમર્થિત સરકાર માટે મોટી મુસીબત ઊભી કરી છે.
વર્તમાન સંકટ માત્ર રાજકીય નથી, પરંતુ તે આર્થિક કટોકટી અને પાયાની જરૂરિયાતોના અભાવમાંથી જન્મેલો આક્રોશ છે. યમન અત્યારે ગેસની ભયાનક અછત, સ્થિર થઈ ગયેલી અર્થવ્યવસ્થા અને પાયમાલ થઈ ગયેલી આરોગ્ય સેવાઓનો સામનો કરી રહ્યું છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે રસોઈ ગેસ ન મળવાને કારણે ઘરોમાં ચૂલા સળગતા બંધ થઈ ગયા છે અને હોસ્પિટલોમાં દવાઓનો તોટો પડ્યો છે. સધર્ન ટ્રાન્ઝિશનલ કાઉન્સિલ ના નેતૃત્વમાં શરૂ થયેલી આ ચળવળ હવે હિંસક સ્વરૂપ ધારણ કરી રહી છે, જેમાં તાજેતરમાં થયેલી અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું છે અને અનેક લોકો ઘાયલ થયા છે.
યમનનું રાજકીય ચિત્ર અત્યંત જટિલ છે, જ્યાં એક તરફ ઉત્તરમાં હુતી બળવાખોરોનો ત્રાસ છે, તો બીજી તરફ દક્ષિણમાં આઝાદીની માંગણી બુલંદ બની છે. વર્ષ ૨૦૨૬ની શરૂઆતમાં સાઉદી સમર્થિત દળોએ એડન પર ફરી કબજો મેળવતા STC નેતા આઈદરસ અલ-ઝુબૈદી UAE ભાગી ગયા હતા, પરંતુ જનતાનો રોષ હજુ પણ શમ્યો નથી. સાઉદી અને UAE વચ્ચેની આંતરિક ખેંચતાણ અને હુતીઓના સતત ખતરા વચ્ચે યમન બે ભાગમાં વહેંચાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ વિરોધ પ્રદર્શનો દર્શાવે છે કે જો જલ્દીથી કોઈ ઉકેલ નહીં આવે, તો યમન ફરી એકવાર ભયાનક અરાજકતા અને વિભાજન તરફ ધકેલાઈ શકે છે.
(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
