<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd February 2026

ન્યૂજર્સીમાં સંતરામ ભક્ત સમાજ યુએસએ દ્વારા મહાપૂર્ણિમા સત્સંગ સહિત ત્રિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન: જૂના વર્ષના સ્મરણો સાથે નવા વર્ષના કાર્યક્રમોની જાહેરાત

ઓલ્ડ બ્રિજ હાઈસ્કૂલ ખાતે ૨૮ માર્ચના રોજ સવારથી સાંજ સુધી ભજન-સત્સંગ, ધ્યાન અને વિષ્ણુસહસ્ત્રનામ પાઠ યોજાશે: પૂર્ણહુતિ બાદ મહાપ્રસાદનું પણ વિશેષ આયોજન

(દીપ્તિબેન જાની દ્વારા)ન્યૂજર્સી: ન્યૂજર્સીમાં સક્રિય સંતરામ ભક્ત સમાજ-યુ.એસ.એ. દ્વારા આગામી સમયમાં વિવિધ ધાર્મિક અને આધ્યાત્મિક ઉત્સવોની હારમાળા સર્જવા જઈ રહી છે. બ્રહ્મલીન અષ્ટમ્ મહંત પરમ પૂજ્ય નારાયણદાસ મહારાજની પ્રેરણા અને પરમ પૂજ્ય રામદાસજી મહારાજના આશીર્વાદ સાથે સંતરામ ભક્ત સમાજ દ્વારા એક ભવ્ય સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમની વિગત અને સમય:
આગામી તારીખ ૨૮ માર્ચ ૨૦૨૬, શનિવારના રોજ સવારે ૧૧:૩૦ થી સાંજે ૭:૦૦ કલાક દરમિયાન ઓલ્ડ બ્રિજ હાઈસ્કૂલ - ઓડિટોરિયમ (ડોર-૮), ૪૨૦૯ કાઉન્ટી રૂટ ૫૧૬, માતાવાન, ન્યૂજર્સી ખાતે સત્સંગ યોજાશે. આ મંગલમય અવસરે મુખ્યત્વે ત્રણ વિભાગમાં કાર્યક્રમો વહેંચાયેલા રહેશે:
૧. મહાપૂર્ણિમા સત્સંગ
૨. વિષ્ણુસહસ્ત્રનામ પાઠ અને સંતરામ સત્સંગ
૩. રાજ-સ્મૃતિ પંડ્યા ભજન-સત્સંગ
વિશેષ ધ્યાન અને શાંતિ પ્રયોગ:
પરમ પૂજ્ય રામદાસજી મહારાજની પ્રેરણાથી અમેરિકામાં સત્સંગની પૂર્ણહુતિ પૂર્વે ‘સુયોગમ-નડિયાદ’ દ્વારા ગાઈડેડ મેડિટેશન (ધ્યાન-મૌન) કરાવવામાં આવશે. આ દરમિયાન તમામ ભક્તોને આંખો બંધ કરી મૌન જાળવી રાખવા નમ્ર વિનંતી કરવામાં આવી છે, ત્યારબાદ 'ૐ' કારનો ત્રણ વાર ઉચ્ચાર કરી વાતાવરણને પવિત્ર કરવામાં આવશે. સત્સંગની પૂર્ણાહુતિ બાદ તમામ હરિભક્તો માટે મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા રાખવામાં આવી છે.
આગામી કાર્યક્રમોની જાહેરાત:
સંતરામ ભક્ત સમાજ દ્વારા વર્ષ ૨૦૨૬ના અન્ય મહત્વના કાર્યક્રમોની તારીખો પણ જાહેર કરવામાં આવી છે:
 * ગુરુપૂર્ણિમા સત્સંગ: ૯ ઓગસ્ટ ૨૦૨૬, રવિવાર – ઓલ્ડ બ્રિજ હાઈસ્કૂલ, ન્યૂજર્સી.
 * દિવાળી સત્સંગ: ૧૪ નવેમ્બર ૨૦૨૬, શનિવાર – ઓલ્ડ બ્રિજ હાઈસ્કૂલ, ન્યૂજર્સી.
મહત્વની સૂચના:
સમાજની યાદીમાં જણાવ્યા અનુસાર, સંતરામ ભક્ત સમાજ અથવા મંદિરના નામે કોઈપણ પ્રકારનો ફાળો કે ભંડોળ ઉઘરાવવામાં આવતું નથી, જેની તમામ હરિભક્તોએ નોંધ લેવી. સંસ્થા કોઈ પણ પ્રકારના આર્થિક દાનનો સ્વીકાર કરતી નથી. વધુ વિગત માટે સંસ્થાની વેબસાઇટ www.santram.org પર સંપર્ક કરી શકાય છે.

(7:50 PM IST)