News of Sunday, 22nd February 2026
આસામ કોંગ્રેસમાં ભાજપનો મોટો ધડાકો: ૩૨ વર્ષ જૂનો સાથ છોડી ભૂપેન બોરા : કેસરીયા રંગે રંગાયા!
રાહુલ ગાંધીના સમજાવ્યા છતાં ન માન્યા ને અમિત શાહ સાથે મુલાકાત બાદ લીધો નિર્ણય: ચૂંટણી પહેલા જ હિમંતા બિસ્વા શર્માએ કોંગ્રેસના સુપડા સાફ કરી દીધા

ગુવાહાટી: આસામ વિધાનસભાની ચૂંટણીના બ્યુગલ વાગતાની સાથે જ રાજ્યના રાજકારણમાં એક મોટો પલટો આવ્યો છે. આસામ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને કદાવર નેતા ભૂપેન કુમાર બોરાએ ૩૨ વર્ષની લાંબી મજલ બાદ કોંગ્રેસનો ‘હાથ’ છોડીને ભાજપનું ‘કમળ’ પકડી લીધું છે. રવિવારે ગુવાહાટીમાં આયોજિત એક ભવ્ય સમારોહમાં ભાજપના પ્રદેશ પ્રમુખ દિલીપ સૈકિયાની હાજરીમાં તેઓ વિધિવત રીતે શાસક પક્ષમાં જોડાયા હતા. આ પક્ષપલટો એટલો ઝડપી હતો કે ભાજપમાં જોડાયાના ગણતરીના કલાકોમાં જ તેમને રાજ્ય કારોબારી સમિતિના સભ્ય બનાવી દેવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે ભાજપ તેમને આગામી ચૂંટણીમાં મોટી જવાબદારી સોંપવા તૈયાર છે.
આ હાઈવોલ્ટેજ ડ્રામાની પાછળ રસાકસીભરી વાર્તા છુપાયેલી છે. ૧૬ ફેબ્રુઆરીએ જ્યારે બોરાએ રાજીનામું આપ્યું, ત્યારે કોંગ્રેસ હાઈકમાન્ડે તેમને મનાવવા એડીચોટીનું જોર લગાવ્યું હતું. ખુદ રાહુલ ગાંધીએ તેમની સાથે વાત કરી હતી અને વરિષ્ઠ નેતાઓ તેમના ઘરે દોડી ગયા હતા. જોકે, પડદા પાછળ ખેલ કંઈક અલગ જ ચાલી રહ્યો હતો. બીજા દિવસે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા જાતે ભૂપેન બોરાના નિવાસસ્થાને પહોંચ્યા અને જાહેરાત કરી દીધી કે ૨૨ ફેબ્રુઆરીએ તેઓ ભાજપમાં જોડાશે. બોરાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથેની મુલાકાતનો ફોટો શેર કરીને સ્પષ્ટ કરી દીધું હતું કે હવે કોંગ્રેસમાં પરત ફરવાના તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે.
ભાજપમાં જોડાયા બાદ ભૂપેન બોરાએ ભારે હૈયે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, "મેં ૩૨ વર્ષ સુધી દેશભક્તિ અને નિષ્ઠા સાથે સેવા કરી, પરંતુ નેતૃત્વએ મારી લાગણીઓ અને આસામી સમુદાયના ગૌરવને ઠેસ પહોંચાડી છે." બીજી તરફ મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરતા કહ્યું કે ભાજપ પરિવાર તેમની પૂરેપૂરી સંભાળ રાખશે. માર્ચ-એપ્રિલમાં યોજાનારી ૧૨૬ બેઠકોની વિધાનસભા ચૂંટણી પહેલા બોરા અને તેમની સાથે આવેલા ડઝનબંધ કાર્યકરોથી કોંગ્રેસનું સંગઠન સાવ ખોખલું થઈ ગયું હોય તેવું જણાય છે, જ્યારે ભાજપ માટે જીતનો માર્ગ વધુ મોકળો બન્યો છે.
(7:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
