<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd February 2026

અમેરિકામાં સરકારી કામકાજ ઠપ્પ થતા મુસાફરોની માઠી: હોમલેન્ડ સિક્યોરિટી દ્વારા TSA પ્રી-ચેક અને ગ્લોબલ એન્ટ્રી પ્રોગ્રામ્સ સ્થગિત કરાયા

ફંડિંગના અભાવે સિક્રેટ સર્વિસ અને એરપોર્ટ સુરક્ષા પર માઠી અસર: રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ વચ્ચેના ગતિરોધને કારણે લાખો પ્રવાસીઓની સુવિધા છીનવાઈ, ફેમા (FEMA) ની કામગીરીમાં પણ કાપ

વોશિંગ્ટન:અમેરિકામાં છેલ્લા એક સપ્તાહથી વધુ સમયથી ચાલી રહેલા આંશિક સરકારી શટડાઉન (કામકાજ ઠપ્પ) ની સીધી અસર હવે હવાઈ મુસાફરો પર જોવા મળી રહી છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS) ના સેક્રેટરી ક્રિસ્ટી નોએમે જાહેરાત કરી છે કે, ફંડિંગના અભાવે એરપોર્ટ પર ઝડપી સુરક્ષા તપાસ માટેના અત્યંત લોકપ્રિય એવા 'TSA પ્રી-ચેક' અને 'ગ્લોબલ એન્ટ્રી' પ્રોગ્રામ્સને હાલ પૂરતા સ્થગિત કરી દેવામાં આવ્યા છે.
શટડાઉનનું કારણ અને અસર:
૧૪ ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ શટડાઉન પાછળનું મુખ્ય કારણ ઈમિગ્રેશન એન્ફોર્સમેન્ટ સુધારા બાબતે રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ વચ્ચે ચાલી રહેલો મડાગાંઠ છે. સેક્રેટરી નોએમે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ૧૧૯મી કોંગ્રેસ દરમિયાન ડેમોક્રેટ નેતાઓએ ત્રીજી વખત વિભાગનું ફંડિંગ અટકાવીને કામકાજ ઠપ્પ કર્યું છે. આ પરિસ્થિતિને કારણે માત્ર DHS ના કર્મચારીઓના પગાર જ નથી અટક્યા, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા સામે પણ જોખમ ઊભું થયું છે.
મુસાફરોને શું નુકસાન થશે?:
 * TSA પ્રી-ચેક: આ પ્રોગ્રામ હેઠળ મુસાફરોને લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડતું ન હતું અને તેઓએ બેગમાંથી લેપટોપ જેવી વસ્તુઓ બહાર કાઢવાની જરૂર પડતી ન હતી. હવે મુસાફરોએ સામાન્ય સુરક્ષા લાઈનોમાં વધુ સમય પસાર કરવો પડશે.
 * ગ્લોબલ એન્ટ્રી: વિદેશથી પરત ફરતા પ્રવાસીઓ માટે બોર્ડર કંટ્રોલ પર ઝડપી એક્ઝિટ માટે આ સુવિધા હતી, જે હવે બંધ કરી દેવાઈ છે.
 * વીઆઈપી પ્રોટોકોલ: વિભાગે સાંસદોને એરપોર્ટ પર મળતા વિશેષ પોલીસ એસ્કોર્ટ અને અન્ય સુવિધાઓ પર પણ રોક લગાવી દીધી છે, જેથી તે સ્ટાફને સામાન્ય પ્રવાસીઓની સુરક્ષા તપાસમાં લગાડી શકાય.
ફેમા (FEMA) ની કામગીરીમાં ફેરફાર:
હોમલેન્ડ સિક્યોરિટીએ જણાવ્યું છે કે, ટ્રાન્સપોર્ટ સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશન (TSA) અને ફેડરલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી (FEMA) પાસે પૂરતું ભંડોળ નથી. આગામી સપ્તાહમાં અમેરિકાના ઉત્તર-પૂર્વ વિસ્તારોમાં ભારે બરફના તોફાનની આગાહી વચ્ચે, ફેમા દ્વારા માત્ર કટોકટી અને હોનારત સંબંધિત કામગીરીને જ પ્રાથમિકતા આપવામાં આવશે અને અન્ય બિન-જરૂરી સેવાઓ બંધ રાખવામાં આવશે.
રાજકીય આક્ષેપબાજી:
આ નિર્ણય બાદ હાઉસ હોમલેન્ડ સિક્યોરિટી કમિટીના ડેમોક્રેટ સભ્યોએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને આક્ષેપ કર્યો છે કે સરકાર જાણીજોઈને મુસાફરોની મુસાફરી મુશ્કેલ બનાવી રહી છે. બીજી તરફ, વ્હાઇટ હાઉસે દાવો કર્યો છે કે પ્રમુખ ટ્રમ્પ દ્વારા ઈમિગ્રેશન બાબતે અનેક પ્રસ્તાવો મૂકવામાં આવ્યા હોવા છતાં ડેમોક્રેટ્સ વધુ કડક સુધારાની માંગ પર અડેલા છે, જેના કારણે ફંડિંગ બિલ પસાર થઈ શક્યું નથી. હાલમાં આઈસ (ICE) અને બોર્ડર પ્રોટેક્શન (CBP) માટે ગયા વર્ષે પસાર થયેલા 'વન બિગ બ્યુટીફુલ બિલ એક્ટ' ને કારણે ભંડોળ ઉપલબ્ધ છે, પરંતુ અન્ય વિભાગો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે.

(8:12 PM IST)