<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd February 2026

લેબનોનમાં ઈઝરાયેલના ભીષણ હવાઈ હુમલા :હીઝબુલ્લાહના એક વરિષ્ઠ કમાન્ડર સહિત 12 લોકોના મોત

ઓપરેશનમાં બેકા ખીણના બાલબેક વિસ્તારમાં સ્થિત હિઝબુલ્લાહના ત્રણ મુખ્ય કમાન્ડ સેન્ટરોને નિશાન બનાવવામાં આવ્યા

લેબનોનના પૂર્વી અને દક્ષિણ વિસ્તારોમાં રવિવારે ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા ભીષણ હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના એક વરિષ્ઠ કમાન્ડર સહિત ઓછામાં ઓછા 12 લોકોના મોત નીપજ્યા છે. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ દાવો કર્યો છે કે આ ઓપરેશનમાં બેકા ખીણના બાલબેક વિસ્તારમાં સ્થિત હિઝબુલ્લાહના ત્રણ મુખ્ય કમાન્ડ સેન્ટરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલા નવેમ્બર 2024 માં થયેલા યુદ્ધવિરામ બાદના સૌથી ઘાતક હુમલા માનવામાં આવે છે, જેના કારણે પ્રદેશમાં ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.

સ્થાનિક અહેવાલો અનુસાર, મૃતકોમાં હિઝબુલ્લાહના વરિષ્ઠ કમાન્ડર હુસૈન મોહમ્મદ યાઘીનો સમાવેશ થાય છે. લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયે પુષ્ટિ કરી છે કે આ હુમલાઓમાં 50 થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાં અનેક બાળકોનો પણ સમાવેશ થાય છે. ઈઝરાયેલના સૈન્ય પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ કમાન્ડ સેન્ટરોનો ઉપયોગ ઈઝરાયેલ વિરુદ્ધ રોકેટ હુમલા અને આતંકવાદી ગતિવિધિઓના આયોજન માટે કરવામાં આવતો હતો. ઈઝરાયેલનો આરોપ છે કે હિઝબુલ્લાહ સતત યુદ્ધવિરામની શરતોનું ઉલ્લંઘન કરીને પોતાની સૈન્ય શક્તિ વધારી રહ્યું છે.

બીજી તરફ, દક્ષિણ લેબનોનના સિદોન પાસે આવેલા ઐન અલ-હિલવેહ પેલેસ્ટિનિયન શરણાર્થી શિબિર પર પણ ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં હમાસના 2 સભ્યો માર્યા ગયા હોવાના અહેવાલ છે. હિઝબુલ્લાહના નેતા મહમૂદ કમાતીએ આ ઘટનાને 'નૃશંસ નરસંહાર' ગણાવતા કહ્યું કે, દેશના સંરક્ષણ માટે 'પ્રતિકાર' સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી. લેબનોનના રાષ્ટ્રપતિ જોસેફ આઉને પણ આ હુમલાઓની નિંદા કરતા ચેતવણી આપી છે કે ઈઝરાયેલ દ્વારા વારંવાર કરવામાં આવતા ઉલ્લંઘનો રાજદ્વારી સ્થિરતાના પ્રયાસોને નુકસાન પહોંચાડી રહ્યા છે.

આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધોમાં ખટાશ વધી રહી છે. નિષ્ણાતો માને છે કે જો ઈરાન અને અમેરિકા વચ્ચે સીધો સંઘર્ષ થશે, તો હિઝબુલ્લાહ પણ તેમાં સામેલ થઈ શકે છે. હાલમાં લેબનોન આર્થિક અને રાજકીય કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે આવા સૈન્ય હુમલાઓ મધ્ય પૂર્વમાં વ્યાપક યુદ્ધની આશંકાઓને વધુ પ્રબળ બનાવી રહ્યા છે. ઈઝરાયેલનું સૈન્ય ઉત્તરી સરહદ પર સતર્ક છે અને કોઈપણ વળતા હુમલાનો જવાબ આપવા માટે સજ્જ હોવાનું જણાવ્યું છે.

 

 

(9:27 PM IST)