<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd February 2026

શિપિંગ ક્ષેત્રે ક્રાંતિ સર્જાશે : કચ્છના કંડલામાં દેશના પ્રથમ ઈ-મિથેનોલ પ્લાન્ટનું કામ શરૂ

હરિત ઉર્જા ક્ષેત્રે એક ઐતિહાસિક કદમ: 150 ટન પ્રતિ દિવસ (TPD) ની ક્ષમતા ધરાવતો આ અત્યાધુનિક પ્લાન્ટ આસામ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ (APL) ના સહયોગથી સ્થાપશે

કચ્છના કંડલા ખાતે સ્થિત દીનદયાલ પોર્ટ ઓથોરિટી (DPA) એ ભારતના પ્રથમ ઈ-મિથેનોલ પ્લાન્ટ માટે ભૂમિસ્તરની કામગીરી શરૂ કરીને હરિત ઉર્જા ક્ષેત્રે એક ઐતિહાસિક કદમ ઉઠાવ્યું છે. 150 ટન પ્રતિ દિવસ (TPD) ની ક્ષમતા ધરાવતો આ અત્યાધુનિક પ્લાન્ટ આસામ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ (APL) ના સહયોગથી સ્થાપવામાં આવી રહ્યો છે. રવિવારે દીનદયાલ પોર્ટના ચેરમેન સુશીલ કુમાર સિંઘ અને APL ના ચેરમેન વિકુલ ડેકાએ પ્રસ્તાવિત સ્થળની મુલાકાત લઈ પ્રોજેક્ટના અમલીકરણની સમીક્ષા કરી હતી.

આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાં અંદાજે 1,200 કરોડનું મૂડી રોકાણ કરવામાં આવશે, જે અંતર્ગત અંદાજે 3,500 પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઉભી થવાની અપેક્ષા છે. નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશન હેઠળ કંડલાને ગ્રીન હાઈડ્રોજન હબ તરીકે વિકસાવવાના કેન્દ્ર સરકારના વિઝનમાં આ પ્લાન્ટ પાયાનો પથ્થર સાબિત થશે. ઈ-મેથેનોલનું ઉત્પાદન ગ્રીન હાઈડ્રોજન અને વાતાવરણમાંથી મેળવેલા કાર્બન ડાયોક્સાઈડના મિશ્રણ દ્વારા કરવામાં આવે છે, જે પરંપરાગત અશ્મિભૂત ઈંધણનો સ્વચ્છ અને સુરક્ષિત વિકલ્પ પૂરો પાડે છે.

વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો, આંતરરાષ્ટ્રીય મેરીટાઇમ ઓર્ગેનાઈઝેશન (IMO) દ્વારા કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે લાદવામાં આવેલા કડક ધોરણો વચ્ચે ઈ-મિથેનોલ શિપિંગ ઉદ્યોગ માટે ગેમ-ચેન્જર બની શકે છે. સિંગાપોર-રોટરડેમ જેવા વ્યસ્ત વેપારી માર્ગો પર જહાજો માટે ગ્રીન ફ્યુઅલની વધતી જતી માંગને પહોંચી વળવા કંડલા પોર્ટને 'ગ્રીન બંકરિંગ હબ' તરીકે સજ્જ કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટથી ભારત માત્ર ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર જ નહીં, પરંતુ ભવિષ્યમાં ગ્રીન ફ્યુઅલના નિકાસકાર તરીકે પણ ઉભરી આવશે.

આસામના મુખ્યમંત્રી હિમંત વિશ્વ શર્માએ આ પહેલને આસામની ઔદ્યોગિક ક્ષમતાનું રાષ્ટ્રીય સ્તરે વિસ્તરણ ગણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે APL એ દાયકાઓથી મેથેનોલ ઉત્પાદનમાં અગ્રેસર છે, અને હવે તે પરંપરાગત મિથેનોલથી ગ્રીન ઈ-મિથેનોલ તરફ વળીને પર્યાવરણ સુરક્ષામાં યોગદાન આપી રહ્યું છે. 2070 સુધીમાં ભારતના 'નેટ ઝીરો' કાર્બન ઉત્સર્જનના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે આ પ્રોજેક્ટ નિર્ણાયક ભૂમિકા ભજવશે. દીનદયાલ પોર્ટ દ્વારા પાઈપલાઈન કનેક્ટિવિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં આવશે, જ્યારે APL ઉત્પાદન પ્રક્રિયા સંભાળશે, જેનાથી દેશના મેરીટાઇમ સેક્ટરમાં નવા યુગનો પ્રારંભ થશે.

 

(11:24 PM IST)