<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

સાઉથ સુપરસ્ટાર્સ રશ્મિકા અને વિજયે લગ્ન કન્ફર્મ કર્યા : ઉદયપુરમાં યોજાશે ભવ્ય ડેસ્ટિનેશન વેડિંગ

'VIROSH' નામે સત્તાવાર મહોર : લાંબા સમયના સિક્રેટ ડેટિંગ બાદ સોશિયલ મીડિયા પર જાહેરાત

દક્ષિણ ભારતીય સિનેમાના સૌથી ચર્ચિત અને લોકપ્રિય કલાકારો રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના લગ્નની જે ક્ષણની ચાહકો લાંબા સમયથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, તેનો આખરે સુખદ અંત આવ્યો છે. સોશિયલ મીડિયા પર છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી અટકળો અને ગણગણાટ પર પૂર્ણવિરામ મૂકતા આ જોડીએ સત્તાવાર રીતે તેમના લગ્નની જાહેરાત કરી દીધી છે. આ જાહેરાત માત્ર એક સમાચાર નથી, પરંતુ તેમના લાખો ચાહકો માટે એક ભાવનાત્મક ભેટ સમાન છે. 

બંને સિતારાઓએ પોતપોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક અત્યંત ખાસ અને હૃદયસ્પર્શી પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેમણે તેમના લગ્નને એક વિશિષ્ટ નામ આપ્યું છે - 'VIROSH'. વિજય અને રશ્મિકાએ પોતાની લાગણી વ્યક્ત કરતા લખ્યું કે, "અમારા સૌથી વહાલા ચાહકો, જ્યારે અમે અમારા ભવિષ્ય વિશે કશું જ વિચાર્યું નહોતું અને કોઈ પ્લાનિંગ પણ નહોતું કર્યું, ત્યારે તમે હંમેશા અમારી સાથે હતા. તમારા અપાર પ્રેમને કારણે જ તમે અમને એક સુંદર નામ આપ્યું - 'VIROSH'. આજે અમે પૂરા દિલથી અમારી આ નવી સફરની શરૂઆત તમારા આપેલા આ નામને જ સમર્પિત કરીએ છીએ."

 

 

ઉલ્લેખનીય છે કે વિજય અને રશ્મિકા છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા, પરંતુ તેમણે ક્યારેય જાહેરમાં પોતાના સંબંધો વિશે મૌન તોડ્યું નહોતું. ઓક્ટોબર 2025માં જ્યારે તેમની સગાઈ  ના સમાચાર વાયરલ થયા હતા, ત્યારથી જ સોશિયલ મીડિયા પર 'વીરોશ' ટ્રેન્ડ કરી રહ્યું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ભવ્ય લગ્ન રાજસ્થાનના ઐતિહાસિક શહેર ઉદયપુરમાં યોજાવાના છે. આ એક અત્યંત ખાનગી સમારોહ હશે જેમાં પરિવારના સભ્યો અને અંગત મિત્રો જ હાજર રહેશે. ત્યારબાદ હૈદરાબાદમાં એક ભવ્ય રિસેપ્શન પાર્ટી યોજાશે, જેમાં ટોલીવુડ અને બોલીવુડના દિગ્ગજ કલાકારો હાજરી આપી નવદંપતીને આશીર્વાદ આપશે. આ સમાચાર સામે આવતા જ સોશિયલ મીડિયા પર અભિનંદનનો ધોધ વહી રહ્યો છે. ચાહકો તેમની પસંદગીની જોડીને એક થતા જોઈને અત્યંત ઉત્સાહિત છે.

(12:29 AM IST)